પોક્સો એકટની જાગૃતિ માટે કચ્છની શાળા-કોલજોમાં ચાલતું વિશેષ અભિયાન

0
32

ર૦ ઓકટોબર સુધી ચાલશે વિવિધ કાર્યક્રમો : બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ અંગે નિષ્ણાંત વકતાઓ જાણકારી-માર્ગદર્શન આપશે

ભુજ : રાજયભરમાં પોક્સો એકટ(બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ)-૨૦૧૨ની કાનૂજી જોગવાઇ અને તેને લઇ વિશેષ જાગૃતિ ફેલાવવા એક અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પોક્સો એકટની જાગૃતિ માટે કચ્છની શાળા-કોલજોમાં વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં નિષ્ણાંત વકતાઓ બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ અંગે માહિતી માર્ગદર્શન આપી કાયદાનો કેવી રીતે ઉપયોગ કરવો તેમજ અત્યાચાર અને દુવ્યવહાર સામે અવાજ ઉઠાવવા અંગે બાળકોને જાગૃત કરી રહ્યા છે.આ અંગે કચ્છના સીનીયર સિવિલ જ્જ આર. બી. સોલંકીએ કચ્છઉદયને વિગતો આપતા જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઇન ચીફ અરવિંદકુમાર તથા કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ સુશ્રી જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીના માર્ગદર્શન હેઠળ તા.૨૬-૯-૨૦૨૨થી તા.૨૦-૧૦-૨૦૨૨ દરમ્યાન આ અભિયાન અનુસંધાનમાં, ગુજરાત રાજયના તમામ જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લાની તમામ સરકારી માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં વિશેષ કાનૂની શિબિરો યોજાઈ રહી છે, જેમાં નિષ્ણાત વકતાઓ અને તજજ્ઞાો દ્વારા પોક્સો એકટની જોગવાઇઓ વિશે જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવી રહ્યું છે. આ અભિયાન દરમ્યાન શાળા-કોલેજોમાં વિવિધ શિબિરોનું આયોજન કરવાની સાથે સાથે આઉટરીચ પ્રોગ્રામ બચપન સંરક્ષણ કન્સેપ્ટ હેઠળ આગળ ધપાવવામાં આવશે.સોશ્યલ મીડિયા, ઓડિટોરિયમ, વિઝ્‌યુઅલ મીડિયા થકી પણ આ વિષય પર જાગૃતિ ફેલાવવાના પ્રયાસ કરાશે. પોક્સો એકટની કલમ-૪૩ અને સુપ્રીમકોર્ટ તેમજ હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ મુજબ આ સમગ્ર ઝુંબેશ હાથ ધરાઈ રહી હોવાનું તેમણે અંતમાં ઉમેર્યું હતું.