૧૩ લાખના ચકચારી ચોખા ચોરી કેસમાં કુખ્યાત શખ્સ ચાર મહિને પકડાયો

0
50

કાર્ગોનો શખ્સ અગાઉ કેબલ ચોરી, મગફળી ચોરી, ડીઝલ ચોરી સહિતના ૮ ગુનાઓમાં સંડોવાયેલો હતો

ગાંધીધામ : તાલુકાના કિડાણા ખાતે આવેલા ગોડાઉનમાંથી રૂા.૧૩ લાખના ચોખાની ચોરી થઈ હતી. જે કિસ્સામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર કુખ્યાત શખ્સને બી-ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે.પોલીસ વડા મહેન્દ્ર બગડિયા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઈવ આપવામાં આવી છે. જે અન્વયે કિડાણા સીમ સર્વે નં. ૧પપ મા આવેલા ગોવિંદ ગોડાઉનમાંથી ચોખાની ચોરી થઈ હતી. કુલ ૧૩,૩૭,ર૧૦ રૂપિયાની કિંમતના ૯૭૦ કિલો ચોખાની ચોરી થઈ હતી. જે કેસમાં છેલ્લા ચાર મહિનાથી નાસતા-ફરતા આરોપી કાર્ગોના વસીમખાન જમીરખાન અહેમદતેલીને બી-ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. આરોપી સામે અગાઉ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં ૧.૪૦ લાખની એલ્યુમિનિયમ કેબલ વાયરની ચોરી, ૧૧.૩૩ લાખની મગફળી ચોરી, ર૧.૬પ લાખની ચોખા ચોરી તેમજ ૧૩.૩૭ લાખના ચોખા ચોરીના ગુના નોંધાયેલા છે. તો કંડલા મરીન પોલીસમાં ૧.ર૦ લાખની ગેલવેનાઈઝ એંગલોની ચોરી અને ૩,૬૪૦ ડીઝલ ચોરીના બનાવમાં આ શખ્સ ચોપડે ચડેલો છે. જ્યારે અંજાર પોલીસ મથકની હદમાં થયેલી ત્રણ લાખની કપડાની ચોરી અને ગાંધીધામ એ-ડિવિઝનની હદમાં થયેલી ૩૯ હજારની સોનાની ચેઈનના ચીલઝડપના બનાવમાં પણ આરોપી ચોપડે ચડી ચૂકેલો છે.