ભુજને છાજે તેવી રૂ.૫.૨૨ કરોડના ખર્ચે ભુજ સુધરાઇની નવી ઇમારત બનાવાશે – વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય

0
27

ભુજ નગરપાલિકાની નવી ઇમારતનું વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

ભુજ વૈશ્વિક કક્ષાનું ટુરીઝમ હબ બન્યું છે. દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ અહીં આવે છે ત્યારે ભુજને છાજે તેવી રૂ.૫.૦૦ કરોડના ખર્ચે ભુજ નગરપાલિકાની નવી ઇમારત બનાવવામાં આવશે તેવું હયાત પાલિકા પરીસરમાં નવી બિલ્ડીંગનું ભુમિપૂજન કરતા વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.

આ પ્રસંગે શહેરજનોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, રૂ. ૫.૨૨ કરોડના ખર્ચે ઇમારત બનશે જેમાંથી રૂ.૪.૩૮ કરોડના ખર્ચે બાંધકામ કરાશે જયારે બાકીના ખર્ચે ફર્નિચર બનાવાશે. આમ ભુકંપના આટલા વર્ષો બાદ બનનારી નવી ઇમારત જનસુખાકારીના કાર્યો કરવા માટે સુખદ ભેટ બનશે. તેમણે ભુજવાસીઓને તથા સુધરાઇને શહેરને સ્વચ્છ રાખવાની અપીલ કરતા શહેરના રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ દુરસ્ત બની હોવાનું જણાવીને પાલિકાની ટીમને અભિનંદન આપ્યા હતા. ૧૦ લાખ લીટર પાણીની સ્ટોરેજ ક્ષમતાથી લઇને વર્તમાન ૨ કરોડ લીટર સુધીની ક્ષમતા વિકસાવતા ભુજને એકાંતરે પાણી આપવાનો સંકલ્પ સાકાર થયો હોવાનું જણાવીને રૂ. ૪૨ કરોડના ખર્ચે નલ સે જલ યોજના અમલી બનતા ભુજના ખૂણે ખૂણે પાણી પહોંચશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે નગરસેવકોને લોકો વચ્ચે જઇને સક્રીયપણે ફરજ નિભાવવાની શીખ આપી હતી. તેમણે સ્મૃતિવન ખાતે ઉજવનારા દીપ મહોત્સવમાં સૌને સહભાગી થવા તથા ૨૫ હજારથી વધુ દિવા પ્રગટાવીને સ્મૃતિવનને ઝળહળતું કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજનો ચારે દિશામાં વિકાસ થયો છે ત્યારે લોકોનું સુધરાઇની નવી ઇમારતનું સપનું અંતે સાકાર થયું છે. સરકારે સ્પેશિયલ કેસમાં ગ્રાન્ટ આપીને ભુજવાસીઓને ભેટ આપી છે. આ પ્રસંગે આગેવાન કેશુભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઇ હુંબલ, ઉપનગરપતિ રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેનશ્રી જલધિભાઇ વ્યાસ, બાંધકામ સમિતિના ચેરેમનશ્રી મનુભા જાડેજા, પાણી સમિતિના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ ઠક્કર, સર્વ આગેવાનશ્રી શીતલભાઇ શાહ, અનિલભાઇ છત્રાળા, ભીમજીભાઇ જોધાણી, કાસમભાઇ સમા, ચીફ ઓફીસરશ્રી જીગરભાઇ પટેલ તથા સુધરાઇના કર્મચારીગણ તથા મોટીસંખ્યામાં શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.