ગાંધીધામના ચુંગીનાકા પાસે પુત્રની નજર સામે અકસ્માતમાં માતાનું મોત

0
45

માતા- પુત્ર બાઈકથી જતા હતા ત્યારે રાત્રે ટ્રેઈલરે હડફેટમાં લેતાં બની ઘટના

તહેવારોના સપરમા દિવસોમાં જ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઉછાળો આવતા ભુજ, કોડકી, મિરજાપર, આદિપુર, રાપર, ડાવરી અને ભચાઉમાં ૭ લોકો ઘવાયા

ગાંધીધામ : શહેરના ચુંગીનાકા હાઈવે બ્રિજ પાસે ગઈકાલે રાત્રે અકસ્માત થવા પામ્યો હતો, જેમાં પુત્રની નજર સામે જ માતાનું મોત થતાં તહેવારો પૂર્વે અરેરાટી વ્યાપી જવા પામી હતી.જાણવા મળતી વિગતો મુજબ એ ડિવિઝન પોલીસે એમએલસીના આધારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગળપાદરના શાંતિધામમાં રહેતા માતા- પુત્ર ચુંગીનાકા હાઈવે બ્રિજ પાસેથી ગઈકાલે રાત્રે પસાર થતા હતા. ત્યારે હાઈવે રોડ પર ટ્રેઈલર ચાલકે બાઈકને ટક્કર મારતા માતા- પુત્ર ફંગોળાયા હતા. જેમાં બાઈક પર સવાર ૪૦ વર્ષિય સુનિતાબેન ભગવાનપ્રસાદ શાહનું સારવાર પૂર્વે જ મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો કે ૧૦૮ને ફોન કરવા છતાં એક કલાક મોડી આવી હતી. જો એમ્બ્લન્સ વહેલી આવી હોત તો મહિલાનો જીવ બચાવી શકાયો હોત.
દરમ્યાન તહેવારો પૂર્વે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે, ત્યારે ભુજ, કોડકી, મિરજાપર, આદિપુર, ભચાઉ અને રાપરમાં બનેલી અલગ અલગ ઘટનાઓમાં ૭ જણાને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ભુજના આર.ટી.ઓ. સર્કલ પાસે બાઈક લઈ માધાપર જઈ રહેલા કાંતીલાલ કરમસિંહ ગજરા (રહે. ગોકુલધામ ઘનશ્યામ નગર ભુજ)વાળાને કાર નંબર જીજે ૧ર ડીએ પપ૦પના ચાલકે ટક્કર મારતા ચાલક ફંગોળાઈ જતા શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. તો તાલુકાના કોડકી ગામે રહેતા મનોજ શામજીભાઈ ચાવડા અને ભરત અશોકભાઈ ચાવડા બંને જણા બાઈકથી જઈ રહ્યા હતા ત્યારે માનકુવા-કોડકી વચ્ચે કિષ્નાસીટી હનુમાન મંદીર પાસે કેબલ વાયર બાઈકમાં આવી જતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. મીરજાપર પોલીસ ચોકી આગળ એક કિમી આગળ માંડવી માર્ગ પર અભીષેક કે. (રહે. સ્વાગત સીટી ભુજ)વાળા પોતાની બુલેટ બાઈકથી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ભેંસ આડી આવતા બાઈક ફંગોળાઈ ગઈ હતી, સાથી કર્મચારી જીગનાસુ તેને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં લઈ ગયા હતા.પૂર્વ કચ્છની વાત કરીએ તો આદીપુરના ૬-એ વિસ્તારમાં રહેતો દીલીપ મંગલજી ભીલ (ઉ.વ.પર) જુમાપીર ફાટક પાસેથી પગપાળા જતા હતા ત્યારે કોઈ અજાણી ફોરવ્હીલરના ચાલકે ટક્કર મારી હતી, ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાપર તાલુકાના નવાપરા ગામે રામજી ધના આહીર (ઉ.વ.૪૩)બાઈકથી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કુતરુ આડુ આવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે ભુજ ખસેડાયા હતા. આ તરફ ભચાઉ પોલીસમાંથી જાણવા મળેલી વિગતો મુજબ ભચાઉ – ભુજ બાયપાસ પાસે સદ્દભાવના સોસાયટીના ગેટ સામે અકસ્માત થયો હતો. મહેન્દ્રસિંહ હુકમસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, આરોપી ટ્રક નંબર જી.જે. ૧ર બીવી ૮૬૧૦ વાળાએ બેદરકારીથી ટ્રક હંકારી ફરિયાદીની ગાડી ટીયુવી ૩૦૦ને ટક્કર મારી હતી. ફરિયાદી બાયપાસ રોડ પર ચડવા જતા હતા, ત્યારે ટ્રક ચાલકે વાહન ભટકાવતા કારમાં નુકસાન થયું હતું. આ તરફ સામે પક્ષે ટ્રકના ડ્રાઈવર હારીજના નટુભા નારણજી વાઘેલાએ ટીયુવી નંબર જી.જે. ૧૮ બીએફ ર૪૬પના ચાલક સામે ગુનો નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ પુર ઝડપે ગાડી ચલાવીને ટ્રક સાથે અકસ્માત સર્જ્યો હતો. દરમિયાન રાપર તાલુુકાના ડાવરીથી ત્રિકમવાંઢ જતા રોડ પર બે ડમ્પર ભટકાતાં ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. બાલાસર પોલીસમાં મહેશભાઈ રામજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, ડમ્પર નંબર જી.જે. ૧ર બી ડબલ્યુ ૬૮૦૯ના ચાલકે ડમ્પર ફુલ સ્પીડમાં હંકારી ડમ્પર નંબર જી.જે. ૧ર બીવાય પ૦૪૭ને ટક્કર મારી અકસ્માત સર્જતા ડ્રાઈવર મનોહરરામ નંદુરામ ચંદ્રવંશીને માથાના ભાગે હેમરેજ અને પાસંડીમાં ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જયા બાદ આરોપી ડમ્પર મુકીને નાસી ગયો હતો.