કૃષિ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના કૃષિ અને ઉર્જાને લગતા પ્રશ્નોના નિરાકરણ અંગે બેઠક યોજાઈ

0
33

કચ્છ જિલ્લાના વીજળીકરણના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ – રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

રાજયના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યસ્થાને કચ્છ જિલ્લાના કૃષિ અને ઉર્જાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે કલેક્ટર કચેરી, ભુજ ખાતે બેઠક યોજાઈ હતી. ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓએ રાજ્યમંત્રીશ્રી સમક્ષ પોતાના વિસ્તારના વીજળી સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લામાં પ્રજા અને ખેડૂતોને વિના વિક્ષેપે વીજળી મળી રહે તે દિશામાં કામગીરી કરવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સ્થળ પર જ સૂચના આપી હતી. આ ઉપરાંત, પ્રજાના વણઉકલ્યા પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તે માટે કાર્યવાહી કરવા અધિકારીશ્રીઓને રાજ્યમંત્રીશ્રીએ તાકીદ કરી હતી.

            જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારા, અબડાસા ધારાસભ્યશ્રી પદ્યુમનસિંહ જાડેજા, અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઈ આહિર, માંડવી મુંદ્રા ધારાસભ્યશ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ પોતાના વિસ્તારના પ્રજાના પ્રશ્નો અંગે રાજ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ પદાધિકારીશ્રીઓના એક-એક પ્રશ્નને વિગતવાર સાંભળીને તેના વિશે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી માહિતી માગી હતી. આ ઉપરાંત, તમામ પ્રશ્નોનું નિવારણ નિયત સમયમર્યાદામાં આવે તે રીતે કામગીરી કરવા માટે અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

           આ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓએ પોતાના વિસ્તારના સબ સ્ટેશન, વીજ વીતરણ લાઈન, ખેતીવાડી કનેક્શન, ઘરેલું વીજ કનેક્શન વગેરે સમસ્યાઓને લઈને રાજ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી. જેનું નિરાકરણ લાવવા રાજ્યમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

           આ બેઠક દરમિયાન પી.જી.વી.સી.એલ.ના જોઈન્ટ એમ.ડી.શ્રી પ્રીતિ શર્મા, ઓ.એસ.ડી.શ્રી રાજ શર્મા, જિલ્લા કલેક્ટરશ્રી દિલીપકુમાર રાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, અંજાર પી.જી.વી.સી.એલ. અધિક્ષકશ્રી ઈજનેરશ્રી બી.ડી.ઝાલાવડીયા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.