જિલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીની કામગીરીને લઈને બેઠક યોજાઈ

0
27

આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનારી છે ત્યારે કચ્છ જિલ્લાની  ચૂંટણી સંદર્ભે વિવિધ તૈયારીઓને લઈને જિલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ અને નોડલ અધિકારીશ્રીઓની પાસેથી કલેક્ટરશ્રીએ વિગતવાર માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.ચૂંટણીની કામગીરી ચોકસાઈપૂર્વક અને નિયત સમયમર્યાદામાં થાય તે અંગે કલેક્ટરશ્રીએ જરૂરી માર્ગદર્શન અધિકારીશ્રીઓને પૂરૂં પાડ્યું હતું. આ ઉપરાંત ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મતદાનમથકો પર પાયાની સુવિધાઓ મતદાતાઓને મળી રહે તે બાબતે વિશેષ કાળજી રાખવા તેઓએ ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. આદર્શ આચારસંહિતાનો સૂચારુ અમલ થાય તેમજ રાજકીય પક્ષો દ્વારા ખર્ચ વગેરે બાબતો પર તેઓએ માર્ગદર્શન આપ્યું હતું. મતદારજાગૃતિ માટે મોટી સંખ્યામાં વિવિધ સ્થળોએ મતદાર નિદર્શન કેન્દ્રો સાથે સેલ્ફી પોઈન્ટ ઉભા કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. આ ઉપરાંત, બેલેટ પેપર, દિવ્યાંગોને વિશેષ સુવિધા, સીનીયર સીટીઝન વગેરે બાબતોને કલેક્ટરશ્રીએ ચર્ચા કરીને અધિકારીશ્રીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ અને નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.