નવનિયુક્ત કલેક્ટરશ્રી દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

0
26

આજરોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત જિલ્લા કલેક્ટરશ્રી દિલીપકુમાર રાણાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ બેઠકમાં પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું તાકીદે નિવારણ લાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપીને સૂચના આપી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી કેશવજીભાઈ રોશિયાએ ઉપસ્થિત રહીને પાણી, વીજળી વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેક્ટરશ્રીએ આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ પ્રજાના કામો વિના વિક્ષેપે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપીને સંબંધિત અધિકારીશ્રીઓને નિયત મર્યાદામાં પેન્ડિંગ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી. કલેક્ટરશ્રીએ જિલ્લામાં પ્રર્વતમાન સ્થિતિએ થઈ રહેલા વિકાસકાર્યોની વિગતો પણ અધિકારીશ્રીઓ પાસેથી મેળવીને યોગ્ય સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, તાલીમી આઈ.એ.એસ. અધિકારીશ્રી સુનિલ સોલંકી, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત સહિત સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.