વરસામેડીની ખાનગી કંપનીમાં બોઈલર ફાટતા શ્રમજીવીનું મોત

0
59

જવાહરનગર પુલીયા પાસે ટેન્કર હડફેેટે બાઈક ચાલકનો જીવ ગયો

ગાંધીધામ :  પૂર્વ કચ્છમાં અપમૃત્યુની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલી ખાનગી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના બનવા પામી હતી, જેમાં ગંભીર રીતે ઈજાઓ થવાથી શ્રમજીવીનું મોત થયું હતું. જયારે ગાંધીધામના જવાહરનગર પુલીયા પાસે ટેન્કર હડફેટે આવી જવાથી ચાલકનો જીવ ગયો હતો.

આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ વરસામેડીમાં આવેલી ખાનગી કંપનીની અંદર આ બનાવ બન્યો હતો. મરણજનાર રાજેશસિંઘ ધીરજસિંઘ રાવત કંપનીમાં કામ કરતા હતા ત્યારે બોઈલર ફાટતા ગંભીર રીતે દાઝી ગયા હતા. જેઓને સારવાર માટે પ્રથમ ડીવાઈન લાઈફ કેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જયાં તેઓનું મોત થતા રામબાગ હોસ્પિટલમાં પીએમ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છની કંપનીઓમાં અવારનવાર દુર્ઘટનાઓ થતી હોય છે ત્યારે કામદાર સુરક્ષાના નિયમની કડકપણે અમલવારી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

આ તરફ જવાહરનગરથી ગાંધીધામનો રોડ વધુ એકવાર રક્તરંજીત બન્યો હતો. પ્રતિમાબેન નાન્ટુ રોયે બી ડિવિઝન પોલીસમાં જણાવ્યું કે, પ૪ વર્ષિય પતિ નાન્ટુ જયોતિષચંદ્ર રાય બાઈક નંબર જીજે.૧ર.સીબી ૯૬૭૮ લઈને કંપનીના કામ સબબ જવાહરનગર ગયા હતા. જયાંથી પરત ગાંધીધામ આવતા હતા ત્યારે હાઈવે રોડ પર ટેન્કર નંબર જી.જે.૧ર.બી.ડબલ્યુ. ૭પ૧૮ ના ચાલકે પોતાની ગાડી બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવીને અકસ્માત સર્જાતા પતિને કમરના નીચેના ભાગે ઈજાઓ થવા પામી હતી. જેઓનું સારવાર દરમ્યાન મોત થયું હતું.