કચ્છમાં જિલ્લાકક્ષાએ જીપીએસ સિસ્ટમ કંટ્રોલ રૂમ કાર્યરત

0
190

  • ઇવીએમ મશીન માટેના તમામ વાહનો પર નજર રાખવા

વાહન બુથ મથકેથી નીકળ્યા બાદ કયા રસ્તેથી પસાર થયું અને કયાં કયાં અટકયું તથા કેટલો સમય ઊભું રહ્યુ તેમજ સ્ટ્રોગ રૂમ સુધી પહોંચવા માટે કેટલો સમય લીધો તે અંગેની માહિતી રહેશે નજર

ભુજ : ચૂંટણીમાં ઈવીએમ મશીનની મહત્વપૂર્ણ જવાબદારી હોય છે, જેથી ચૂંટણી જાહેર થતાની સાથે જ ઈવીએમની સુરક્ષામાં વધારો થઈ જાય છે. જેટલી સુરક્ષા રાજકારણીઓને તેમની સભામાં મળે છે તેનાથી વધુ સુરક્ષા ઈવીએમ મશીનને આપવામાં આવે છે તેમજ છેલ્લા કેટલાક સમયથી જો ચૂંટણીમાં ઉમેદવારનો પરાજય થાય તો દોષનો ટોપલો ઈવીએમ મશીન પર ઢોળી દેવામાં આવે છે જેથી મશીનની સુરક્ષા વધારવા માટે આ વખતથી ઈવીએમ મશીન લઈ જતા તમામ વાહનોમાં જીપીએસ સીસ્ટમ ફીટ કરવામાં આવી છે, જેના કારણે કંટ્રોલ રૂમમાંથી આ વાહનો પર નજર રહેશે તેમજ વિધાનસભા વિસ્તારના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષા માટે સ્થાનીક પોલીસ નહીં પણ પેરા મિલીટ્રી ફોર્સ અને આર્મીના જવાનોને ડયુટી આપવા સાથે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવે છે.મતદારો મતદાન કરી શકે તે માટે ઈવીએમ મશીન અને વીપીપેટ મશીન મુકવામાં આવે છે અને એક વાર ઈવીએમ મશીનમાં દરેક ઉમેદવારના નામ અને ચિહ્નો ગોઠવી દેવાયા બાદ સ્ટ્રોગરૂમમાં મુકવામાં આવે છે ત્યારબાદ ચૂંટણીના દિવસની પૂર્વ સંધ્યાએ જે તે બુથ મથક પર ઈવીએમ અને વીવીપેટ મશીન પહોંચાડવામાં આવે છે અને મતદાન મથક પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટ્રોગ રૂમમાં વાહનોમાં પહોચાડવામાં આવે છે. જો કે કેટલાક રાજકીય પક્ષો દ્વારા મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ સ્ટ્રોગ રૂમ સુધી પહોંચે તે પહેલા બદલાઈ જતાં હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તેને ધ્યાને લઈને ચૂંટણી પંચ દ્વારા આ વખતે ઈવીએમ મશીન બુથ મથકો ઉપર પહોંચાડવા અને સ્ટ્રોગ રૂમમાં પરત લાવવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં જીપીએસ સીસ્ટમ લગાવવામાં આવશે. જેથી વાહન બુથ મથકેથી નીકળ્યા બાદ કયા રસ્તેથી પસાર થયું અને કયાં કયાં અટકયું તથા કેટલો સમય ઊભુ રહ્યુ તેમજ સ્ટ્રોગ રૂમ સુધી પહોંચવા માટે કેટલો સમય લીધો તે અંગેની માહિતી ઉપલબ્ધ થાય તે માટે આ વખતે મશીનો લઈ જતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવાઈ છે. સુત્રોએ જણાવ્યું કે, જે વાહનો ઈલેકશન ડયુટી માટે ફાળવી દેવામાં આવે છે તેમાં તરત જ જીપીએસ ફીટ કરી દેવાય છે. હાલમાં ૧૦૦ થી વધુ વાહનોમાં જીપીએસ લાગી ગઈ છે. પણ આવતીકાલથી ઈવીએમ તેમજ વીવીપેટની ફાળવણી સાથે કર્મચારીઓ અલગ અલગ બુથ તરફ જવા રવાના થશે, જેથી આજે અને આવતીકાલે વધુ વાહનોની ફાળવણી થતા એસટી બસ, લકઝરી, તુફાન, ટેમ્પો ટ્રાવેલર સહિતના ચૂંટણી ફરજના વાહનોમાં પણ જીપીએસ લગાવાશે. આ માટે ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. આ માટે કલેકટર કચેરીમાં જીપીએસ સિસ્ટમ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે.