ખેડોઈના બાઈક સવાર યુવાનનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

0
46

  • સતત બીજા દિવસે અંજાર હાઈવે બન્યો રક્તરંજિત

દબડાથી પરત જતી વેળાએ અમૃતસર હાઈવે હોટલ પાસે ગત રાત્રે બન્યો બનાવ

અંજાર : અંજાર હાઈવે સતત બીજા દિવસે રક્ત રંજિત બન્યો છે. દબડાથી ખેડોઈનો બાઈક ચાલક યુવાન પરત જતો હતો, ત્યારે રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.અંજારના દબડામાં રહેતા મહમ્મદ મુર્તુજા મહમ્મદ મંજુર શેખે અંજાર પોલીસમાં જણાવ્યું કે, તેની મોટી દિકરીના લગ્ન ખેડોઈમાં રહેતા મહમ્મદ શબ્બીર શેખ સાથે થયા છે. ગત રોજ ફરિયાદી સસરાની તબિયત ખરાબ હોઈ તેમનો જમાઈ શબ્બીર બાઈક લઈને તેમને મળવા આવ્યા હતા અને પરત રાત્રે આઠ વાગ્યાના અરસામાં ઘરે જવા નિકળ્યા હતા, દરમ્યાન રાત્રે ભત્રીજા અસ્ફાકનો ફોન આવ્યો કે, અમૃતસર હોટલ સામે હાઈવે રોડ પર શબ્બીરનો અકસ્માત થયો છે, જેને સારવાર માટે અંજાર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ સારવાર કારગત સાબિત ન થતા તેનું મોત થયું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે, કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને બેદરકારીથી હંકારી જમાઈની બાઈક નંબર જીજે.૧ર.એ.જી. ૯૬૧૯ ને ટક્કર મારી માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું અને આરોપી વાહન લઈને નાસી ગયો હતો. લાશની અંતિમ વિધિ કર્યા બાદ અંજાર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ગાગોદર બ્રીજ પાસે બંધ કન્ટેનરમાં ટ્રેઈલર ઘૂસી જતા જોધપુરના ચાલકનું મોત

આજે સવારે ૯ વાગ્યે બની ઘટના : આડેસર પોલીસે ઘટના સ્થળે જઈ વાહન વ્યવહાર પુર્વવત કરાવ્યો

આડેસર : રાપર તાલુકામાંથી પસાર થતા ગાગોદર – રાધનપુર નેશનલ હાઈવે નંબર ર૭ પર બ્રીજ પાસે આજે સવારે ૯ કલાકે અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં આગળ ઉભેલા બંધ કન્ટેનરમાં ટ્રેઈલર ઘૂસી જતા તેના ચાલકનું ચગદાઈ જવાથી મોત થયું હોવાની વિગતો સામે આવી છે. નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતના કારણે વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. પીએસઆઈ બી.જી. રાવલે માહિતી આપતા જણાવ્યું કે, આજે સવારે ૯ વાગ્યાના અરસામાં સામખિયાળી – રાધનપુર નેશનલ હાઈવે નંબર ર૭ પર ગાગોદર ગામના બ્રીજ પાસે ઘટના બનવા પામી હતી. મરણજનાર રાજસ્થાનના જોધપુર જિલ્લાના હિંગોણા ગામના ૩૦ વર્ષિય પીરારામ હીરારામ જાટ પોતાના કબજાનું ટ્રેઈલર નંબર આર.જે.૧૯.જી.એફ.૩૪૦૦ વાળું લઈને મોરબી થી જોધપુર જતા હતા ત્યારે ગાગોદર ગામ પાસે પહોંચતા આગળ બ્રેક ડાઉન થવાથી કન્ટેનર નંબર જી.જે.૧૮.એ.ટી. ૯૮૩૯ વાળું રસ્તામાં પડયું હોઈ આ કન્ટેનરમાં ટ્રેઈલર ઘૂસી જતા ચાલકને ગંભીર ઈજાઓ થવાથી મોત નિપજયું હતું. બનાવ અંગે પોલીસે ફેટલનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.