અંજાર અને ગુંદાલાના દંપતી તેમજ યુવતિ નર્મદા પાણીની કેનાલમાં ગરકાવ

0
52

મહિલા હાથ-પગ ધોવા માટે ઉતરી અને પગ લપસી જતા તમામ એક-બાદ-એક બચાવવા પાણીમાં ઉતર્યા પણ ડૂબી જતાં મોત : ગણતરીની મીનિટોમાં બહાર કઢાયા બાદ આંખ મીચી લીધી : આપના ઉમેદવાર કૈલાશદાન ગઢવીએ હોસ્પિટલ દોડી જઈ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી

મુન્દ્રા : તાલુકાના ગુંદાલા ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં એક જ પરીવારના ત્રણ મહિલા અને બે પુરુષ મળી કુલ પાંચ વ્યક્તિઓના ડુબી જવાથી મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે. યુવતિ કેનાલમાં હાથ-પગ ધોવા ઉતરી હતી તે વેળાએ પગ લપસી જતા એક બાદ એક બચાવવા ગયેલા તમામ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અંજારના દંપતી રાજેશ ખીમજીભાઈ સથવારા (ઉ.વ.૩૦) અને સવિતાબેન સથવારા (ઉ.વ.રપ) તેમજ ગુંદાલાના કલ્યાણ દામજીભાઈ સથવારા તેમના પત્ની લીલાબેન કલ્યાણ સથવારા તેમજ તેમના બહેન રસીલા દામજી સથવારા (ઉ.વ.૧૮)નું પાણીની કેનાલમાં ડુબી જવાને કારણે મોત નિપજયું હતું. ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં એક મહિલા ગુંદાલા-મોખા વચ્ચે આવેલા પુલીયા પાસેથી કેનાલમાં હાથ-પગ ધોવા માટે ઉતરી હતી, દરમિયાન તેનો પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેથી તેને બચાવવા માટે એક બાદ એક મહિલા અને પુરુષ બચાવવા માટે પાણીમાં ઉતરતા ગયા હતા અને પાંચેયને પાણી ભરખી ગયો હતો. છસરા ગામના લોકો તેમજ આસપાસના લોકો હતભાગીઓને ડુબતા જોઈ તેમને બચાવવા માટે પ્રયાસો શરુ કર્યા હતા, પાણીમાં ગરકાવ થયેલા પાંચેયને થોડી વારમાં જ બહાર કાઢી લેવાયા હતા પણ ધબકારા બંધ થઈ ગયા હતા અને આંખો કાયમ માટે મીચી લીધી હતી. તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા બાદ આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી. કેનાલમાં ઘટના બની હતી ત્યારે સરકારી હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટીના કૈલાશદાન ગઢવીએ પહોંચી જઈ પરિવારને સાંત્વના પાઠવીને તંત્ર પાસેથી તામમ વિગતો મેળવી હતી.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ઘટના સ્થળે પહોંચી પરિવારને સાંત્વના પાઠવી

મુન્દ્રા : ગઈકાલે મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે બનેલી ઘટના કાંઈ નવી નથી, થોડા સમય અગાઉ કારાઘોઘા નો યુવક ભોરારા ગામની કેનાલમાં પગ ધોવા માટે ગયો હતો અને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અગાઉ કેનાલમાં જાનવરો તણાઈ જવાના બનાવ પણ બની ચુકયા છે. તંત્રની બેદરકારીથી વધુ આપણી પોતાની ફરજ બને છે કે કેનાલોમાં હાથ-પગ ધોવા કે ન્હાવા માટે જવાય નહીં. ગુંદાલા કેનાલમાં ખેતમજુરી કરતા પરીવારના પાંચ સભ્યો ડુબી ગયા હતા જેથી છસરા ગામના સરપંચ ચેતનભાઈ રાવલ તેમજ અન્ય સેવાભાવી રાહુલ દાફડાએ પણ આ લોકોને જીવ બચાવવા ઝંપલાવ્યું હતું પણ ત્યાં સુધી મૃતકોએ આંખ મીચી લીધી હતી. બનાવની વાત વાયુવેગે પ્રસરતા સમાજના અગ્રણી રમેશ કુવરીયા, ભાજપના ઉમેદવાર અનિરુદ્ધભાઈ દવે, કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જડોજા, વાલજીભાઈ ટાપરીયા, પ્રણવ જોશી, શક્તીસિંહ જાડેજા, વિશ્રામ ગઢવી, જીગર છેડા, મુકેશસિંહ જાડેજા, યજુવેન્દ્રસિંહ જાડેજા, નવીન ફફલ સહિતના પહોંચી ગયા હતા.