કચ્છના રૂદ્રાણી ડેમ ખાતે કેરેવાન પાર્ક તૈયાર કરાશે

0
34

  • ગુજરાત ટુરિઝમ દ્વારા કરોડોના ખર્ચે રાજ્યમાં પ્રથમવાર

રૂદ્રાણી ડેમ ખાતે જમીન મેળવવાની કાર્યવાહી ચાલુમાં : કેરેવાન પાર્ક તૈયાર કરવા બે કરોડનો ખર્ચ કરાશે : ટુરિસ્ટ પરિવાર સાથે ઘર જેવી જ સુવિધા ધરાવતા કેરેવાન વ્હીકલમાં રહી શકે અને ટુરિસ્ટ પ્લેસનો આનંદ લઈ શકશે : ૪ દિવસથી માંડીને એક અઠવાડિયાના કેરેવાન બસ પેકેજમાં આસપાસના સ્થળોએ પ્રવાસીઓને ફેરવવામાં આવશે : કચ્છ ઉપરાંત રાજ્યના જાણીતા સ્થળો સાપુતારા અને શિવરાજપુરમાં પણ કેરેવાન ટુરીઝમ શરૂ કરાશે

ભુજ : ગુજરાતીઓ પ્રવાસન શોખ માટે જાણીતા છે, તેમાં પણ એનઆરઆઈ સિઝનમાં આવતા ગુજરાતીઓને પણ પ્રવાસ દરમ્યાન તેમને ઘર જેવું જ રહેવાનું અને જમવાનું જોઈતું હોય છે. ગુજરાતીઓના આ શોખને ધ્યાનમાં રાખીને જ ગુજરાત ટુરિઝમ દ્વારા રાજ્યમાં પ્રથમવાર કેરેવાન ટુરિઝમ કોન્સેપ્ટ રજૂ કરવા જઈ રહ્યું છે. જે અંતર્ગત રાજ્યના ત્રણ જાણીતા પ્રવાસન સ્થળ સાપુતારા, શિવરાજપુર અને કચ્છના રૂદ્રાણી ડેમ ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા કેરેવાન પાર્ક શરૂ કરવામાં આવશે. હાલમાં ભુજ તાલુકાના રૂદ્રાણી ડેમ ખાતે જમીન મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે. આ પાર્કને તૈયાર કરવા માટે બે કરોડનો ખર્ચ કરવામાં આવશે.આ અંગેની વિગતો મુજબ દરેક વેકેશનમાં દેશના અને રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળો ગુજરાતી ટુરિસ્ટોથી ઉભરાય છે. મોટાભાગના ટુરિસ્ટ પ્લેસ પર ગુજરાતી જમણ ઉપલબ્ધ હોય છે. આમ, છતાં ગુજરાતી સહિત કોઈપણ ટુરિસ્ટ હોય તે દરેકને ટુરિસ્ટ પ્લેસ ખાતે ઘર જેવું રહેવાનું અને જમવાનું ન મળી શકે તે સ્વાભાવિક છે. ગુજરાતી સહિત કોઈપણ પ્રવાસીને પ્રવાસ દરમ્યાન ઘર જેવું જમવાનું અને
રહેણાંક મળે તે માટે પ્રવાસન ઈતિહાસમાં રાજ્યમાં પ્રથમવાર ગુજરાત ટુરિઝમ કેરેવાન ટુરિઝમનો કન્સેપ્ટ લઈને આવ્યું છે. ગુજરાત ફરવા આવતા એનઆરઆઈ હોય કે અન્ય પ્રવાસી દરેકને તેમના મનગમતા ટુરિસ્ટ પ્લેસ પર મનગમતું ભોજન મળી રહે એ માટે કેરેવાન પાર્ક ટુરિઝમ કન્સેપ્ટ રજૂ કરાયો છે. જેમાં ટુરિસ્ટ માટે ખાસ મોડીફાઈટ કરાયેલી જુદી જુદી કેરેવાન બસમાં ૬,૮,૧૦ અને ૧ર વ્યકિત રહી શકે તેવી કેરેવાન બસ પીપીપી ધોરણે રજૂ કરાશે. જેમાં લક્ઝુરિયસ હોટલ જેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરાશે. દરેક બસમાં એરકન્ડિશનર, કિચન, ટોઈલેટ, બાથરૂમ અને સુવાની વ્યવસ્થા હશે. તદુપરાંત તેમાં ટેલિવિઝન અને ઈન્ટરનેટની પણ સુવિધાઓ ઉપલબ્ધ હશે. જેથી ટુરિસ્ટને બિલકુલ ઘર જેવી ફીલિંગ આવશે.રાજ્યમાં કચ્છના રૂદ્રાણી ડેમ, સાપુતારા, શિવરાજપુર બીચ ખાતે અમે કેરેવાન પાર્ક બનાવાશે, જયાં રાત્રે કેરેવાન બસને પાર્ક કરી શકાય. કેરેવાન ટુરિઝમ અંતર્ગત પ્રાથમિક તબક્કે સાપુતારામાં રૂા.૪ કરોડના ખર્ચે અને શિવરાજપુર બીચ અને રૂદ્રાણી ડેમ ખાતે રૂા.બે-બે કરોડના ખર્ચે કેરેવાન પાર્ક તૈયાર કરાઈ રહ્યા છે. આ ત્રણેય સ્થળના જુદા જુદા ૪ દિવસથી માંડીને એક અઠવાડિયાના કેરેવાન બસ પેકેજમાં આસપાસના સ્થળોએ પ્રવાસીઓને ફેરવવામાં આવશે. આ દરેક ટુરિસ્ટ પ્લેસ ખાતે આખા દિવસના સાઈટસીન બાદ ટુરિસ્ટને લઈ બસને કેરેવાન ખાતે પાર્ક કરી શકાશે. આથી દરેક કેરેવાન પાર્કને તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ બનાવાઈ રહ્યા છે. દરેક પાર્કમાં અંદાજે ૧૦ કેરેવાન પાર્ક કરી શકાશે. જયા દરેક બસ માટે ઈલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ, વોટર કનેકશન અને વેસ્ટ કનેકશન પોઈન્ટ પણ મુકાશે. તદુપરાંત કેરેવાન પાર્કમાં ગાર્ડન એરિયા, કિચન એરિયા, કેફેટેરિયા, કેમ્પફાયર એરિયા પણ બનાવાશે. જેથી દિવસભરના પ્રવાસ બાદ પાર્કના કિચન એરિયામાં પણ ટુરિસ્ટ પોતાનું મનગમતું ભોજન બનાવી શકશે અને પરિવાર સાથે કેમ્પ ફાયર જેવી એક્ટિવીટી પણ કરી શકશે.સુત્રો કહે છે કે, કેરેવાન પાર્ક બનાવવા સાપુતારામાં જમીન મેળવી લેવાઈ છે. શિવરાજપુર બીચ અને કચ્છના રૂદ્રાણી ડેમ ખાતે જમીન મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. આગામી સમયમાં સરકારની મંજુરી મળ્યા બાદ અન્ય સ્થળોએ પણ આ જ પ્રકારે કેરેવાન પાર્ક બનાવાશે. અલબત, આ માટેની તમામ પ્રક્રિયા હજી ચાલી રહી છે.

હાલમાં તૈયાર થઈ રહેલા કેરેવાન પાર્ક અને આસપાસના ટુરિઝમ સ્પોટ

રૂદ્રાણી ડેમ – કચ્છ : ધોરડો, સફેદ રણ, ભુજ સિટી, નિરોણા વિલેજ, કાળો ડુંગર, ભારત-પાકિસ્તાન બોર્ડર.
સાપુતારા : શબરી ધામ, ડોન ધોધ, પંપા સરોવર, અંજનકુંડ, વાંસદા નેશનલ પાર્ક, વધઈ બોટનિકલ ગાર્ડન.
શિવરાજપુર બીચ : દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર તીર્થ, માધવપુર ઘેડ તથા અન્ય સ્થળ.

કેરેવાન પાર્કમાં પણ ઘણી એક્ટિવિટી

કચ્છ, સાપુતારા, શિવરાજપુર બીચ ખાતે બની રહેલા કેરેવાન પાર્કમાં રાત્રે ૧૦ જેટલી બસ પાર્ક કરી શકાશે. જયાં તમામ પ્રકારની સિક્યુરિટી સાથે કેફેટેરિયા, ગાર્ડન, કેમ્પફાયર એરિયા, સીટીંગ એરિયા ઉપરાંત કિચન એરિયા પણ હશે. જયાં પ્રવાસી ઈચ્છે તો મનગમતું ભોજન પણ જાતે બનાવી શકશે.કેરેવાનમાં લક્ઝુરિયસ હોટલ જેવી સુવિધા દરેક કેરેવાન બસ એરકન્ડિશન્ડ હશે અને તેમાં ૬થી ૧ર વ્યકિતઓના રહેવા, સુવા અને જમવાની વ્યવસ્થા હશે. જેમાં કિચન, સીટીંગ એરિયા, ટેલિવિઝન, ઈન્ટરનેટ, વોશબેઝિન, ટોઈલેટ-બાથરૂમની વ્યવસ્થા હશે.