ગાંધીધામમાં ૧ર વર્ષિય તરૂણીએ ફાંસો ખાઈ લીધો

0
78

સેકટર – ૭ માં બનેલી ઘટના અંગે ખુદ પરિવારજનો પણ સ્તબ્ધ : કયા કારણોસર પગલું ભર્યું તે હજુય અકબંધ

ગાંધીધામ : આજના મોબાઈલના યુગમાં વેબસીરીઝ અને ફિલ્મોના કારણે માનવામાં ન આવી શકે તેવી ઘટનાઓ બની રહી છે, જે ઘણી ચિંતાજનક બાબત છે. ત્યારે ગાંધીધામમાં ૧ર વર્ષિય તરૂણીએ ગળે ફાંસો ખાઈ લેતા ખુદ પરિવારજનો પણ સ્તબ્ધ બની ગયા છે.

જાણવા મળતી વિગતો મુજબ સેકટર-૭ માં પ્લોટ નંબર ૩૬પમાં રહેતા લોકેશ વકતાજી હરીએ જણાવ્યું કે, તેમની ૧ર વર્ષિય દિકરી ભાવનાએ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે બપોરે દોઢ વાગ્યાના અરસામાં પોતાના ઘરે અંદરના રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી તાત્કાલિક તેને રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે પોલીસે સ્થળ પર જઈ પંચનામા સહિતની કામગીરી કરી હતી. તપાસનીશ પીએસઆઈ એલ. એન. વાઢીયાએ જણાવ્યું કે, હાલ તો ઘટનાને પગલે પરિવારજનો સ્તબ્ધ છે અને અંતિમવિધિ માટે રાજસ્થાન ગયા છે, ત્યાર બાદ તેઓના નિવેદનો લેવામાં આવશે. હાલ તબક્કે આપઘાતનું કારણ અકબંધ છે.