ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાં વધુ એક વખત ઝડપાઈ ગેરપ્રવૃતિ : વોંધમાં પેટ્રોલપંપની બાજુમાંથી ૯ હજાર લિટર બેઝઓઈલ પકડાયું : વાહનો સહિત ૧૬.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

0
13

ડ્રાઈવરની પુછતાછ દરમિયાન સામખિયાળીના શખ્સે આ માલ મુંદરાથી મેળવ્યો હોવાનું ખુલ્યું

ગાંધીધામ : ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાં બેફામ રીતે ગેરપ્રવૃતિનો વેપલો ચાલી રહ્યો છે. દારૂ, કોલસા સહિતની ગેરપ્રવૃતિઓ પર એસએમસીએ દરોડો પાડ્યા બાદ પીઆઈ, પીએસઆઈ સહિત ૭ જેટલા પોલીસ કર્મચારીઓને મહિનામાં જ સસ્પેન્ડ કરી દેવાયા. તેમ છતા હજુ સ્થાનિક પોલીસે સબક ન લીધો હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે એલસીબીએ દરોડો પાડીને ૬.૩૦ લાખની કિંમતનું આધાર-પુરાવા વગરનું ૯ હજાર લિટર બેઝઓઈલ ઝડપી પાડ્યું છે. તપાસમાં આ માલ મુંદરાથી આવ્યો હોવાનું ખુલ્યું છે.

એલસીબીના પીઆઈ એમ.એમ. જાડેજાએ સરકાર તરફે ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું કે, ભચાઉ સામખિયાળી નેશનલ હાઈવે પર વોંધ ગામની બાજુમાં આવેલ પેટ્રોલપંપની પાસે પાર્કિંગમાં ટેન્કર નં. જીજે ૧૨ એટી ૭૦૪૩ વાળામાં ગેરકાયદે રીતે બેઝઓઈલ હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સ્થળ પરથી ચાલક વોંધનો રામાભાઈ દેવાભાઈ રબારી મળી આવ્યો હતો. આ ટેન્કર પર આઈઓસીનો લોગો લગાવેલો હતો. ટેન્કરમાં તપાસ કરતા તેમાં ૫-૫ હજાર લિટરના ૪ ખાના પૈકી એકમાં ૫ હજાર લિટર અને બીજામાં ૪ હજાર લિટર મળી ૯ હજાર લિટર બેઝઓઈલ મળી આવ્યું હતું. જેના આધાર-પુરાવા મળી આવ્યા ન હતા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નિયમ પ્રમાણે બેઝઓઈલના વેંચાણ માટે સરકાર પાસેથી લાયસન્સ મેળવવું પડે છે, પેટ્રોલિયમ પદાર્થની માન્યતા ધરાવતુ એક્સપ્લોઝિવ લાયસન્સ સરકાર પાસેથી મેળવવાનું હોય છે, પેઢી માલિક દ્વારા સ્ટોરેજ લાયસન્સ રાખવું પડે, ડેન્સિટી રજીસ્ટર અને સંલગ્ન સાધનો ઉપલબ્ધ હોવા જાેઈએ, જીપીસીબી પાસેથી નાવાંધા પ્રમાણ પત્ર મેળવવું જરૂરી છે તેમજ ફાયર સેફ્ટિના સાધનો રાખવા પડે આ તમામ નિયમોનો આ સ્થળે ભંગ જણાઈ આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ બેઝઓઈલ સામખિયાળીના યશપાલસિંહ જાડેજાએ મુંદરાથી પ્રતિલિટરના ૭૦ ચુકવી ખરીદયું હતું. અને પાર્કિગમાં ટેન્કર રાખ્યું હતું. જેથી ૬.૩૦ લાખનું બેઝઓઈલ કબ્જે કરવામાં આવ્યું હતું. અને રામા રબારી અને યશપાલસિંહ જાડેજા સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભચાઉ વિભાગના ડીવાયએસપી સાગર સાંબડાની હાજરીમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

બનાવ ભચાઉનો પણ તપાસ લાકડીયા પોલીસને અપાઈ

ભચાઉ પોલીસમાં પીઆઈ,પીએસઆઈ સહિતના સસ્પેન્ડ થયા બાદ પણ ગોરખધંધાઓ યથાવત રહેતા એલસીબી દ્વારા કાર્યવાહી કરીને આઈઓસીના ટેન્કરમાં ગેરકાયદે રીતે પરિવહન થતા બેઝઓઈલને ઝડપી લેવામાં આવ્યું હતું. જે કિસ્સામાં ભચાઉ પોલીસ મથકે ફરિયાદ થયા બાદ આ પોલીસને તપાસ આપવાને બદલે લાકડીયાના પીઆઈ આર.આર. વસાવાને સમગ્ર કેસની છાનબીન સોંપવામાં આવી છે. જે મુદ્દો સુચક ઈશારા કરે છે.

આ પ્રકરણમાં પણ તપેલો ચડવાની શક્યતા

જે રીતે એલસીબીએ દરોડો પાડી લાકડીયાના પીઆઈને તપાસ સોંપવામાં આવી છે તે કેસમાં ક્યાંય ભચાઉ પોલીસને સાથે રાખવામાં આવી નથી. જેથી સ્થાનિકના ખાખીધારીઓની સંડોવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે તે જાેતા આગામી સમયમાં આ પોલીસ સ્ટેશનના જવાબદારોનો ફરીએકવાર તપેલો ચડી જાય તો નવાઈ નહીં.

ભચાઉના પીઆઈને ટેન્કરનો પહેરો સોંપાયો

એલસીબીએ સીઝ કરેલ ટેન્કર અને બેઝઓઈલના મુદ્દામાલને ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે રાખીને આ ટેન્કર પર પોલીસ પહેરો રાખવા માટે ભચાઉના પીઆઈને જવાબદારી સોંપવામાં આવી છે.