કચ્છનું ધો.૧૦ નું ૬૮.૭૧ ટકા પરિણામ

0
49

૧૦૯ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો : એ૨-ગ્રેડમાં ૧૦૫૭ વિદ્યાર્થીઓ


ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ ૨૦૨૩ માં લેવાયેલી ધોરણ ૧૦ ની પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં કચ્છ જિલ્લાનું ૬૮.૭૧ ટકા પરિણામ આવ્યું છે. ગત માર્ચ ૨૦૨૩માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષામાં કચ્છ જિલ્લામાં ૧૯૮૭૬ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ૧૯૭૧૫ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે જાહેર થયેલા પરિણામમાં કચ્છ જિલ્લામાં ૧૦૯ પરીક્ષાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે જ્યારે એ-૨ ગ્રેડમાં ૧૦૫૭ વિદ્યાર્થીઓ બી-૧ ગ્રેડમાં ૨૫૧૪ વિદ્યાર્થીઓ બી-૨ ગ્રેડમાં ૩૮૪૨ વિદ્યાર્થીઓ સી-૧ ગ્રેડમાં ૪૧૮૨ વિદ્યાર્થીઓ સી-૨ ગ્રેડમાં ૧૭૭૦ વિદ્યાર્થીઓ, ડી ગ્રેડમાં ૭૦ વિદ્યાર્થીઓ ઈ માં ૨ વિદ્યાર્થીઓ, ઇ-૧ ગ્રેડ માં ૪૦૯૧ વિદ્યાર્થીઓ ઈ-૨ ગ્રેડમાં ૨૦૭૮ વિદ્યાર્થીઓ અને ઇક્યુસી માં ૧૩૫૪૬ વિદ્યાર્થીઓ આવતા કચ્છ જિલ્લાનું કુલ ૬૮.૭૧ ટકા પરિણામ આવ્યું છે.

ગત વર્ષ કરતાં ૭.૪૩ ટકા વધુ આવ્યું

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાના આજે જાહેર થયેલા
પરિણામમાં કચ્છ જિલ્લાનું પરિણામ ૬૮.૭૧ ટકા આવ્યું છે જે ગત વર્ષ ૨૦૨૨ ના પરિણામ કરતાં ૭.૪૩ ટકા પરિણામ આ વખતે વધુ આવ્યું છે. કચ્છ જિલ્લાનું ધોરણ ૧૦ ના પરિણામનું ગત બે વર્ષોના પરિણામની ટકાવારી સામે આ વર્ષે ૨૦૨૩નું પરિણામ ઘણું સારું આવ્યું છે. કચ્છ જિલ્લાનું ધોરણ ૧૦ નું ૨૦૨૨ માં લેવાયેલી પરીક્ષાનું ૬૧.૨૮ ટકા પરિણામ આવ્યું હતું જેની સામે આ વર્ષે ૨૦૨૩માં ૬૮.૭૧ ટકા પરિણામ આવ્યું છે એટલે કે ગત વર્ષ કરતાં આ વર્ષે કચ્છ જિલ્લાનું ધોરણ ૧૦નું પરિણામ ૭.૪૩ વધુ આવ્યું છે.વર્ષ ૨૦૨૦ માં કચ્છ જિલ્લાનું ધોરણ ૧૦ નું પરિણામ ૫૬.૮૫ ટકા આવ્યું હતું જેની સરખામણીએ આ વર્ષે કચ્છ જિલ્લાનું ૧૧.૮૬ વધુ પરિણામ આવ્યું છે.

ગત વર્ષની તુલનાએ પરિણામમાં ૭ ટકાનો વધારો આવ્યો : ડીઈઓશ્રી

૧૦ વર્ષમાં પહેલી વખત ધોરણ-૧૦ના પરિણામમાં કચ્છ જિલ્લો ટોપ-૧૦માં સમાવિષ્ટઃ ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન, નપાસ થયેલા વિદ્યાર્થીઓ ‘નાસીપાસ’ ન થાય

ભુજ : ગત વર્ષે કચ્છ જિલ્લામાં ધોરણ -૧૦નું ૬૧.ર૮ ટકા પરિણામ આવ્યું હતું, જેથી પરિણામમાં સુધારો લાવવા માટે જિલ્લા તેમજ શાળા કક્ષાએ વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેની ફળશ્રુતિરૂપે ચાલુ વર્ષે કચ્છમાં ધોરણ-૧૦નું ૬૮.૭૧ ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની તુલનાએ પરિણામમાં ૭ ટકાના વધારા સાથે આ વખતે જિલ્લો ટોપ-ટેનમાં પણ સમાવિષ્ટ થયો છે. છેલ્લા ૧૦ વર્ષથી ધોરણ ૧૦ના બોર્ડના પરિણામમાં કચ્છ જિલ્લો રાજ્યના ટોપ-૧૦ જિલ્લાઓમાં સ્થાન પામી શકયો ન હતો. ચાલ વર્ષે રાજ્યમાં કચ્છનો આઠમો નંબર આવ્યો છે. જે ઘણી મહત્વની બાબત છે તેવું જણાવતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે એ-વન ગ્રેડ મેળવનાર ૧૦૯ વિદ્યાર્થી તેમજ એ-ટૂ ગ્રેડ મેળવનાર ૧૦પ૭, બી -વનના રપ૧૪, બી-ટૂના ૩૮૪ર, સી-વનના ૪૧૮ર, સી-ટૂ ગ્રેડના ૧૭૭૦, ડી – ગ્રેડના ૭૦ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સફળતા મેળવી શકયા નથી. તેઓ નાસીપાસ ન થાય અને ફરી પરીક્ષા આપવા માટે તૈયારી કરે તે માટેનો અનુરોધ કર્યો હતો.
વર્ષ દરમિયાન શાળાઓમાં પરીક્ષાના આયોજન અને તૈયારીને લગતા વર્કશોપ, સેમિનાર, રવિવારના એક્સટ્રા ક્લાસ તેમજ શાળાઓમાં પ્રિ-બોર્ડ એકઝામ લેવામાં આવી તે સહિતના પ્રયાસોની સફળતારૂપે કચ્છના ફાળે આ સિદ્ધિ આવી હોવાનું ઉમેર્યું હતું.