માતાનામઢે રવિવારે ૫૦ હજાર ભાવિકો ઉમટી પડ્યા

0
31

  • સાતમેથી સાતમું ‘મા’નું નોરતું જી..રે.. આઠમ તણા ઉપવાસ મોરી..મા

સવારથી જ માઈભક્તોની લાઈન લાગી દર્શન માટે : આજે રાત્રે હવનની રાત સાથે નવરાત્રિ પૂર્ણ થશે : સોમવારે પતરીવિધિ ટ્રાફિકની સમસ્યા વકરી : મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ્દ થયો

નખત્રાણા : આશાપુરાજી ધામ માતાનામઢે આજે સાતમ અને રવિવાર રજાનો દિવસ સાથે હોતા પરોઢે ચાર વાગ્યાથી માઈભક્તોની દર્શન માટે લાંબી લાઈન લાગી હતી. ખટલા ભવાની, હિંગલાજ માતાજી, ચાચરકુંડ તમામ સ્થળે અને બજારોમાં માનવ મેદની જોવા મળી હતી. આજે રાત્રે પ્રથમ જગદંબા પૂજન બાદ ૯.૩૦ કલાકથી હોમ હવનનો પ્રારંભ થશે જે મોડી રાત્રે ૧ર.૩૦ વાગ્યે શ્રીફળ હોમવામાં આવશે તે સાથે નવરાત્રિ સંપન્ન થશે.કાલે સોમવારે રાજવી પરિવારના વિવાદ વચ્ચે રાજ પરિવારના જેને પણ મા આશાપુરાજી હુકમ કરશે તે પતરીવિધિ કરાવશે. ચાલુ સાલે સારા ચોમાસા અને કોરાના બાદ પદયાત્રી કેમ્પને મંજૂરી મળતા લાખો લોકો માના મઢે માથું નમાવી ગયા હતા. આજે ટ્રાફિકની સમસ્યા પણ વકરી હતી. વાહનોની લાંબી કતાર લાગી હતી. તો મહાપ્રસાદ લેવા પણ મોટી કતારો જોવા મળી હતી.મા.મઢના સરપંચ સુરેન્દ્રસિંહજી જાડેજા કહ્યું કે, પોલીસ તંત્ર દ્વારા છેક શરદપૂનમ સુધી મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવું જોઈએ. અલબત આજે પોલીસની સંખ્યા પાંખી હતી. બીજી તરફ મુખ્યમંત્રીનો પ્રવાસ મા.મઢનો ગઈકાલે રદ્‌ થયો છે. તેવો માતાનામઢ ના આવતા ભાજપના અગ્રણીઓ નિરાશ થયા હતા. હેલીપેડ, સફાઈ, પોલીસ બંદોબસ્ત, વહીવટી તંત્ર સજ્જ હતું પણ કાર્યક્રમ રદ્દ થતા નિરાશા થઈ હતી. આજે વધુ પબ્લિક હોતા વેપારીના મુખડા પર ચમક જોવા મળી હતી. તેવું અરવિંદ શાહે જણાવ્યું હતું. હજુ દિવાળી સુધી ભાવિકોનો પ્રવાહ સતત માતાનામઢે વહે તો રહેશે તો ચૂંટણીની સીઝન હોતા રાષ્ટ્રીય મોટા માથા પણ માતાનામઢે આવતા રહેશે. ગ્રા.પં. દ્વારા પણ સતત સફાઈ-પાણીની સુવિધા કાર્યરત કરાઈ છે. જે દિવાળી સુધી ચાલુ રહેશે.