સૂરજબારી પુલ પાસે ૩થી ૪ કિ.મી. સુધી વાહનોના લાગ્યા થપ્પા

કચ્છના પ્રવેશદ્વાર પર હજારો વાહનોની હોય છે દૈનિક અવર-જવર : આજે રસ્તાના કામના કારણે વહેલી સવારથી ટ્રાફિક અવરોધાયો : અવાર-નવાર સર્જાતી સમસ્યા વાહન ચાલકો માટે શીરદર્દ સમાન

ભુજ : કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારી પુલ પાસે અવાર નવાર ટ્રાફિક જામ થતો હોય છે, જેથી કચ્છથી બહાર જવા માંગતા અને કચ્છમાં આવતા વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. આજે પણ વહેલી સવારે રસ્તાનું કામ શરૂ કરાતા માર્ગ ડાયવર્ઝન કરવાની ફરજ પડી હતી, જેના કારણે નેશનલ હાઈવે પર એક બે નહીં પરંતુ ૩થી ૪ કિલોમીટર સુધી તોતિંગ માલવાહક વાહનોના થપ્પા લાગ્યા હતા.કચ્છથી અમદાવાદ અને સૌરાષ્ટ્રને જોડતા મુખ્ય એવા એક માત્ર સૂરજબારી પુલ પાસે દરરોજ હજારો વાહનોની અવર જવર હોય છે. કંપનીઓમાંથી કાર્ગો તેમજ ઉત્પાદિત વસ્તુઓ લઈ જતાં વાહનોની દરરોજ હારમાળા થતી હોય છે. નેશનલ હાઈવે પર એક ડમ્પર પણ ઉભુ રહી જાય તો પાછળ વાહનોની કતારો તેમજ અકસ્માતના બનાવો બની ચુકયા છે. ત્યારે સવારે નેશનલ હાઈવે પર રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે ડાયવર્ઝન થતાં ભારે વાહનો ફસાઈ જતાં માર્ગ પર ટ્રાફીક જામ થયો હતો. સવારથી થયેલો ટ્રાફિક જામ બપોર સુધી એ જ સ્થિતિમાં રહ્યો હતો.