આચારસંહિતાની હેલ્પલાઈન પર બેનર-પોસ્ટરની ર૩ ફરિયાદો : સૌથી વધુ ગાંધીધામ તાલુકાની

0
47

ચુંટણીમાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે ઓનલાઈન-મોબાઈલથી ફરિયાદ થઈ શકે : રાજકીય પક્ષોના બેનરો દુર થયા ન હોય તેની ફરિયાદો થઈ

ગાંધીધામ : વિધાનસભા ચુંટણી ર૦રરની આચારસંહીતા લાગુ પડી ગઈ છે અને રાજકીય પક્ષો પ્રચાર-પ્રસાર કાર્યક્રમમાં જોતરાઈ ગયા છે. આદર્શ આચારસંહિતાની અમલવારી માટે જિલ્લા કક્ષાએથી વિવિધ નોડેલ અધિકારી જાહેર કરાયા છે, તો આચારસંહિતાનો ભંગ થતો હોવાનું ધ્યાને આવે તો ઓનલાઈન હેલ્પલાઈન તેમજ મોબાઈલથી ફરિયાદ કરી શકાય છે. અત્યાર સુધી જીલ્લાના નોડેલને બેનર, પોસ્ટર ન હટયા હોય તેવી ર૩ ફરિયાદો મળી છે, જેમાં સૌથી વધુ ગાંધીધામ તાલુકાની ફરિયાદો નોંધાઈ હતી.જિલ્લામાં ઠેર ઠેર રાજકીય પક્ષોના બેનરો લાગેલા હોય છે, તેમજ ભીતો પર રાજકીય પાર્ટીઓના ચિત્રો અને સ્લોગન ચિતરેલા હોય છે. આચારસંહિતાની અમલવારી શરુ થાય તે દિવસથી જ આ તમામ બેનરો દુર કરવાના હોય છે, ભીતો પરના ચિત્રોને હટાવી લેવાના હોય છે, તેમ છતાંય કયાંક વહીવટી તંત્ર દ્વારા કે રાજકીય પાર્ટીઓ દ્વારા બેનર કે ચિત્રો હટાવવાના રહી ગયા હોય તેવું ધ્યાને આવે તો લોકો હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી શકે છે, તો મોબાઈલથી ફોન કરીને પણ ફરિયાદ રજીસ્ટર કરાવી શકે છે. ઓનલાઈન હેલ્પલાઈન અને ફરિયાદની જવાબદારી સંભાળતા નોડેલ અધિકારી તુષારભાઈ બારમેડા સાથે વાત કરતા અત્યાર સુધી જિલ્લામાં ર૩ જેટલી ફરિયાદો હેલ્પલાઈન થકી આવેલી છે. મોટાભાગની ફરિયાદો બેનર અને પોસ્ટર હટયા ન હોવાની હતી જેને અનુસંધાને ફરિયાદનો નિકાલ પણ કરી દેવાયો હતો. બેનર, પોસ્ટર સિવાય કોઈ મહત્વની ફરિયાદ હેલ્પલાઈન પર મળી નથી. બીજી તરફ, છ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ફરિયાદો ગાંધીધામ વિસ્તારની હતી જેમાં બેનર અને પોસ્ટર હટયા ન હોવાની ફરિયાદો મળી હોવાનું તેમણે ઉમેર્યું હતું.