23થી 30મી જુન સુધી ગુજકેટની પરીક્ષા ભરાશે ફોર્મ

એ અને બી તેમજ એ-બી બંને ગ્રુપમાં પરીક્ષા આપનાર છાત્રોમાં પરીક્ષાને લઈને તૈયારીઓ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12નું પરિણામ જાહેર થતા પહેલા જ ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી  ડિપ્લોમા, ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ અને બી તેમજ એ-બી ગ્રુપના વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ www.gseb.org વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આવતીકાલે 23મી જુનથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજકેટ 2021ની પરીક્ષાનું ફોર્મ બોર્ડની વેબસાઈટ www.gseb.org તેમજ gujcet.gseb.org પરથી 23 જૂનથી 30મી જૂન સુધીમાં ઓનલાઈન ભરી શકાશે. આ માટે ઉમેદવારે 300 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. જેને ઓનલાઈન અથવા દેશની કોઇપણ SBI બ્રાન્ચમાં જઈને ભરી શકાશે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A ગૃપના વિદ્યાર્થીઓ પાસે 850 અને B ગ્રુપના વિદ્યાર્થીઓ પાસે રૂપિયા 950 પરીક્ષા ફી લેવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીનીઓ પાસે ફી લેવામાં આવેલ નથી. વાલીઓની માંગ છે કે બોર્ડ દ્વારા પરીક્ષા ફી લેવામાં આવી છે પરંતુ પરીક્ષા લેવામાં આવી નથી તો હવે ગુજકેટ પરીક્ષા માટે નક્કી કરેલ રૂપિયા 300 ફી રેગ્યુલર વિદ્યાર્થીઓને માફ આપવામાં આવે.