જખૌ દરિયાઈ વિસ્તારમાંથી મળ્યા ૧૯ ચરસના પેકેટ

ભારતીય તટરક્ષક દળના જવાનોને પેટ્રોલીંગ દરમ્યાન મળ્યો બિનવારસુ જથ્થો : અંદાજે ર૮.પ૦ લાખના ચરસનો જથ્થો એજન્સીએ કર્યો સીઝ


(બ્યુરો દ્વારા)ભુજ : સરહદી કચ્છ જિલ્લામાં દરિયાઈ વિસ્તાર, ક્રીક તેમજ નિર્જન ટાપુઓ પરથી અવારનવાર ચરસનો જથ્થો મળી આવે છે. બિનવારસુ રીતે પડેલો ચરસનો જથ્થો કોસ્ટગાર્ડ, બીએસએફ, પોલીસ સહિતની એજન્સીઓ કબજે કરી કાર્યવાહી કરતી હોય છે, તેવામાં જખૌ કોસ્ટગાર્ડની ટીમને દરિયાઈ પેટ્રોલીંગ દરમ્યાન જખૌના દરિયા કિનારા વિસ્તારમાંથી ચરસના ૧૯ બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી અગાઉ હજારો ચરસના પેકેટ મળી આવ્યા હતા. દરિયામાં ઝડપાયેલા ચરસના જથ્થા દરમ્યાન કેટલોક જથ્થો ડ્રગ્સ માફિયાઓ દ્વારા દરિયામાં ફેંકી દેવાયો હતો. જે થોડા સમય બાદ કચ્છના કાંઠાળ વિસ્તાર, ક્રીક વિસ્તાર તેમજ નિર્જન ટાપુઓ પરથી મળ્યો હતો. ર૦૧૯-ર૦માં મોટા પ્રમાણમાં કચ્છના કાંઠાળ વિસ્તારમાંથી બિનવારસુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. કોસ્ટગાર્ડ, બીએસએફ તેમજ પોલીસ સહિતની એજન્સીઓને પેટ્રોલીંગ દરમ્યાન ચરસના પેકેટ મળ્યા હતા. આ સીલસીલો લાંબા સમય સુધી ચાલ્યો હતો. પણ છેલ્લા થોડા સમયથી ચરસનો જથ્થો મળવાનું બંધ થયું હતું. ત્યારે ફરીથી એક વખત જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના ૧૯ પેકેટ જખૌ કોસ્ટ ગાર્ડને મળી આવ્યા છે. જેની અંદાજે કિંમત ર૮.પ૦ લાખ આંકવામાં આવી રહી છે. જખૌ કોસ્ટગાર્ડની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન આ બિનવારસુ ચરસના પેકેટ મળી આવ્યા હતા. હાલ તો એજન્સી દ્વારા ચરસના પેકેટ સીઝ કરવામાં આવ્યા છે. મળી આવેલા ચરસના જથ્થાની પ્રાથમિક તપાસ આરંભાઈ છે. તો ચરસના જથ્થામાંથી સેમ્પલો કલેકટ કરી તેને પૃથ્થકરણ માટે મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સુત્રો મારફતે જાણવા મળ્યું છે.