ચૂંટણી ટાણે કચ્છ પોલીસ તંત્ર દ્વારા લાઈસન્સ વાળા ૧૭૪૩ હથીયારો જમા લેવાયા

0
35

વિવિધ પોલીસ મથકે લાયસન્સ ધારકોને ફોન કરી હથિયાર મેળવી લેવાયા : હથિયારો જમા ન થાય તો હથિયાર થકી ડર-ભય ફેલાવવાનો પ્રયાસ થાય

ભુજ : જિલ્લામાં વિધાનસભાની ચુંટણીઓના પડધમ વાગી રહ્યા છે ત્યારે પશ્ચિમ અને પુર્વ કચ્છમાં પોલીસ તંત્ર દ્વારા પરવાના વાળા હથિયારો જમા કરવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. હથિયાર વાળા લાયસન્સ જમા ન થાય તો ચુંટણીના મતદાન ટાણે હીંંસા અને ડખા થવાની ભીતી પણ સેવાતી હોય છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ૧૭૪૩ પરવાના વાળા હથિયારો જમા કરવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છના ૧૦૪૩ અને પુર્વ કચ્છ પોલીસ દ્વારા ૭૦૦ જેટલા પરવાના વાળા હથિયારો જુદા જુદા પોલીસ મથકે જમા લઈ લેવાયા છે.વિધાનસભા ચુંટણીને લઈને જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જરુરી પ્રક્રિયાઓ પુર્ણ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર દ્વારા પરવાના વાળા હથિયારો જમા કરાવવા માટે નોટીફીકેશન બહાર પડાતા પોલીસ તંત્ર દ્વારા વ્યાયામ હાથ ધરવામાં આવ્યો હતો અને એક-એક પરવાના વાળા લાયસન્સ ધારકને ફોન કરીને હથીયાર જમા કરાવવા કહેવાય છે. પશ્ચિમ કચ્છના જુદા જુદા પોલીસ મથકે આ પ્રક્રીયા આરંભાઈ હતી અને ૧૦૪૩ પરવાના વાળા હથીયારો જમા કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચુંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ વ્યક્તિ પોતાના લાયસન્સ વાળા હથીયાર થકી ડરાવવાનો કે ભય ફેલાવવાનો પ્રયાસ ન કરે તે હેતુથી પોલીસ સ્ટેશને હથીયાર જમા કરવામાં આવે છે. આ અંગે નોડેલ ઓફીસર અને ડીવાયએસપી એ. આર. ઝણકાટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જાહેરનામું બહાર પડતા જ પોલીસ તંત્ર દ્વારા પરવાના વાળા હથીયારો જમા કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી અને અત્યાર સુધી કુલ ૧૦૪૩ જેટલા હથિયારો જમા કરવામાં આવ્યા છે. આમ, તો પશ્ચિમ કચ્છ જિલ્લામાં ૧૧૦૦થી વધુ હથીયારના પરવાના ઈસ્યુ થયેલા છે તે પૈકી અમુક કોઈક કારણોસર પહેેલેથી જ પોલીસ સ્ટેશનમાં જમા થયેલા છે તો ૧૦૪૩ જેટલા હથિયારો જમા કરી લેવાયા છે જયારે બાકીના પરવાનાવાળા લાયસન્સ ધારકોને જીલ્લા કલેકટર કચેરીએ મળેલી સ્ક્રીનીંગ કમિટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.તો પુર્વ કચ્છના ડીવાયએસપી એ. વી. રાજગોર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પુર્વ કચ્છ પોલીસ મથકો ખાતે ૭૦૦ પરવાના વાળા હથિયારો લાયસન્સ ધારકો પાસેથી આગામી ચુંટણીને અનુલક્ષીને જમા લઈ લેવાયા છે, માત્ર ત્રણ જ હથિયાર પરવાના ધારકોને જિલ્લા કલેકટરમાંથી મુક્તિ આપવામાં આવી છે તેમના હથિયારો જમા લેવાયા નથી.

અમુક પરવાના ધારકોને જમા કરવામાંથી મુક્તિ અપાઈ

વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજયની ચુંટણી હોય, આચારસંહીતાની અમલવારી માટે પોલીસ દ્વારા હથિયારો જમા લેવાતા હોય છે. જો કે રાજકીય પાર્ટીઓ સાથે કોઈ લેવા દેવા ન હોય તેવા પરવાના ધારકોને હથિયાર જમા કરવામાંથી મુક્તિ આપવામાં આવતી હોય છે. જેમ કે, આંગણીયા પેઢીના સંચાલકો, બેંકમાંફરજ બજાવતા ગાર્ડ, એ.ટી.એમ.ના સિક્યુરિટી ગાર્ડ તેમજ સરકારી અધિકારી-કર્મચારીના પ્રાઈવેટ હથિયાર તેમજ સરકાર તરફથી છુટ અપાઈ હોય તેવા પરવાના ધારકોને મુક્તિ આપવામાં આવે છે. ચુંટણી ટાણે હથિયાર જમા કરવામાંથી મુક્તિ મેળવવા માટે અરજદારને કલેકટર કચેરી ખાતે સ્ક્રિનિંગ કમિટિને અરજી કરવાની હોય છે જે અરજી પર સુનાવણી હાથ ધરી કલેકટર દ્વારા હુકમ મંજુર કરવામાં આવે છે.