મેવાસાની સીમમાં અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી ૧૭ લાખનો શરાબ ઝડપ્યો

કોમ્બિંગ નાઈટમાં રહેલી આડેસર પોલીસે બાતમીના આધારે દારૂની પ,૦૬૪ બોટલ કરી કબજે : કૂખ્યાત બૂટલેગર સહિત ચાર આરોપીઓ વિરૂદ્ધ વિધિવત ગુનો નોંધાયો

રાપર : તાલુકાના મેવાસા ગામની સીમમાં સિમેન્ટના અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી આડેસર પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિક્રમી જથ્થો ઝડપી પાડ્યો હતો. બાઈક સહિત પોલીસે ૧૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવમાં કૂખ્યાત બૂટલેગર પુના ભરવાડ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી જે.આર.મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલ અને નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાની સૂચનાથી આડેસર પોલીસની ટીમ પીએસઆઈ વાય.કે. ગોહિલ સાથે નાઈટ કોમ્બિંગ રાઉન્ડમાં ફરજ પર હતી તે દરમિયાન પીએસઆઈ વાય.કે. ગોહિલને મળેલી બાતમી હકીકતના આધારે મેવાસા ગામની સીમમાં બનાવામાં આવેલ એક સિમેન્ટના અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી ભારતી બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે બાતમીને આધારે પોલીસે પાડેલા દરોડામાં રૂા.૧૬,૭૧,૬૦૦ની કિંમતની જુદા જુદા બ્રાન્ડની પ,૦૬૪ નંગ શરાબની બોટલ મળી આવી હતી. તેમજ ૩૦ હજારનું એક બાઈક મળીને પોલીસે ૧૭,૦૧,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવમાં કૂખ્યાત બૂટલેગર પુના ભાણા ભરવાડ, હીન્દા ભગુ ભરવાડ, ગોવિંદ કોલી અને રમેશ ઉર્ફે ગાંડીયો દેવશી ભરવાડ વિરૂદ્ધ આડેસર પોલીસે વિધિવત ગુનો નોંધ્યો હતો. બેફામ બનેલા બૂટેલગરો દ્વારા બહારના રાજ્યોમાંથી દારૂ મંગાવી તેને સાચવવા માટે અવનવા પેતરા અજમાવાઈ રહ્યા છે.જેમાં વિક્રમી દારૂ મંગાવીને મેવાસા ગામની સીમ નજીક સિમેન્ટનો અંડર ગ્રાઉન્ડ ટાંકો બનાવી તેમાં દારૂ છુપાવાયો હતો. જોકે, આડેસર પોલીસે બાતમીને આધારે શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. આડેસર પોલીસ દ્વારા કરાયેલી આ કામગીરીમાં પીએસઆઈ વાય.કે. ગોહિલ, હેડકોન્સ્ટેબલ ધ્રુવદેવસિંહ ઝાલા, કોન્સ્ટેબલ હકુમતસિંહ જાડેજા, ભરતજી ઠાકોર, વિષ્ણુદાન ગઢવી, રાકેશભાઈ ચૌધરી, ચંદ્રકાંત ભાટિયા, ઈશ્વરભાઈ કાદરી, સુરેશભાઈ ચૌધરી, સંજયભાઈ રાઠોડ, હીરાભાઈ પટેલ, ભગવાનભાઈ ચૌધરી, દલપતજી સોલંકી સહિતનો સ્ટાફ જોડાયો હતો.