૧૨મી નવેમ્બર વિશ્વ ન્યુમોનિયા ડે : જી.કે. જનરલ હોસ્પિટલમાં પ્રતિમાસે ૨૨૫ જેટલા ન્યુમોનિયાના દર્દીઓને અપાતી સારવાર

0
44

ભુજ : અદાણી સંચાલિત જી. કે. હોસ્પિટલમાં કોરોના જેવો જ ફેફસાને સંક્રમિત કરતા ન્યુમોનિયાના રોગના પરિક્ષણ માટે સ્પૂટ્‌મ કલ્ચરથી (કફની તપાસ) લઈને આધુનિક બ્રોન્સ્કોપી દ્વારા ચકાસણી કરી તેના મૂળ સુધી પહોંચવામાં આવે છે. હૉસ્પિટલમાં પ્રતિ માસે ૨૨૫ જેટલા ન્યુમોનિયાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે
હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ અને શ્વસન તંત્ર વિભાગના વડા તથા એસો. પ્રો. ડો. કલ્પેશ પટેલે દર વર્ષે ૧૨ મી નવે. ના રોજ ઉજવાતા વિશ્વ ન્યુમોનિયા દિવસ નિમિત્તે કહ્યું કે, આ હોસ્પિટલમાં ન્યુમોનિયા સામે લડવા તમામ જરૂરી દવાઓ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, બેક્ટેરિયા, વાયરસ અને કેટલાક સૂક્ષ્મ જીવો ન્યુમોનિયાનું કારણ બને છે. જે ફેફસાને સંક્રમિત કરે છે. પરિણામે સૂકી અને કફ સામેની ઉધરસ, તાવ, ધ્રુજારી વિગેરે દર્દીને થાય છે. નવજાત બાળક અને વૃધ્ધો તથા જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય તેમને આ સંક્રમણ તાત્કાલિક થાય છે. આ ઉપરાંત અસ્થમા અને હૃદય સબંધી બીમારી હોય તેને તથા ધૂમ્રપાન કરતાં હોય, એઇડ્‌સ હોય તેમને પણ અસર કરે છે. આમ તો તેના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે.
તબીબોના જણાવ્યા અનુસાર જેમને તાવ હોય, કફ સાથે ઉધરસ હોય તો તુરંત તબીબનો સંપર્ક કરી ન્યુમોનિયાની ચકાસણી કરાવી લેવી. ન્યુમોનિયાનું પરિણામ બ્લડ ટેસ્ટ, છાતીનો એક્સ-રે અને ગળફાના પરિક્ષણ દ્વારા જાણી શકાય છે. બાળકો અને વૃધ્ધોએ તેમાંય ૬૫ વર્ષની ઉપરનાઓએ તો ન્યુમોનિયાની વેક્સિન અચુક લેવી જરૂરી બને છે. દરમિયાન તબીબોએ ન્યુમોનિયા સામે બચવા માસ્ક પહેરવું, હાથને સેનિટાઈઝ કરવા અને જાહેરમાં થૂંકવું નહીં. વિગેરેનું પાલન કરવા તાકીદ કરી છે.