ભચાઉના આંબલીયારામાં પવનચક્કીના ટાવરમાંથી ૧.૧૪ લાખની ચોરી

કોપર વાયર અને પ્લેટો અજાણ્યા ઈસમો તફડાવી ગયા : પવનચક્કી યાર્ડના ટાવરમાં તોડફોડ કરી પહોંચાડી નુકશાની

(ક્રાઈમ પ્રતિનિધી)ભચાઉ : તાલુકાના આંબલીયારા ગામની દખણાદી સીમમાં આવેલ સુઝલોન કંપનીની પવનચક્કીને નિશાન બનાવીને કોપર વાયર અને પ્લેટોની તસ્કરી કરાઈ હતી. અજાણ્યા ઈસમોએ પવનચક્કી યાર્ડમાં તોડફોડ કરીને ૧.૧૪ લાખની માલમતા તફડાવી ગયા હતા. બનાવને પગલે સામખિયાળી પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સામખિયાળી પોલીસ મથકે પવનચક્કી કંપનીમાં પ્રાઈવેટ નોકરી કરતા અને નાની ખેડોઈમાં રહેતા ધીરૂભા ભુરૂભા જાડેજાએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ગત ૧પ-૪ થી ૭-૭ દરમ્યાન ચોરીનો બનાવ બન્યો હતો. આંબલીયારા ગામની સીમમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કી નંબર એસ-૧૦ર તેમજ એસ-૩૩ને નિશાન બનાવી હતી. એક પવનચક્કીનું લોક ખોલીને તેમજ બીજી પવનચક્કીના દરવાજાની હાલ્ડ્રાફ કોઈ સાધનથી કાપીને ચોરીની ઘટનાને અંજામ અપાયો હતો. પવનચક્કી ટાવરમાંથી અજાણ્યા તસ્કરો કોપર કેબલ અને કોપરની પ્લેટો કિમત રૂા. ૧,૧૪,૦૦૦/-ની માલમતા તફડાવી ગયા હતા. તેમજ પવનચક્કીના ટાવરની સામગ્રીમાં તોડફોડ કરીને નુકશાન પહોંચાડયું હતું. બનાવને પગલે સામખિયાળી પોલીસે ગુનો નોંધતા પીએસઆઈ એ. વી. પટેલે ફરિયાદ આગળની તપાસ હાથ ધરી છે.