૯ સદ્‌ગતોની એકસાથે અંતિમયાત્રા નીકળતાભચાઉનું નાનકડું શિકરા ગામ હિબકે ચડયું

ગત રોજ ખાનગી લકઝરી બસ સાથે ટ્રેકટર ધડાકાભેર ભટકાતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક જ પરીવારના નવ-સહિત કુલ્લ ૧૦ લોકોના જીવનદીપ બુઝાઈ જતા વાગડ સહિત જિલ્લાભરમાં છવાયું હતું શોકનું મોજું

વાગડમાં આગામી ૧૮મીના સમુહલગ્નોત્સવ સાદગીથી ઉજવાશે : કરૂણ મોતનો મલાજો જળવાયોઃ વીરેન્દ્રસિંહ જાડેજાએ સીએમ સમક્ષ મૃતકોને સહાયની કરી રજુઆતઃ લાંબા સમયથી અધુરા રહેલા કામને વેળાસર પૂર્ણ કરવાની ઉપસ્થિત લોકોમાં પ્રબળ બની માંગ

નવ હતભાગીઓના અંતિમદર્શન માટે કચ્છના ધારાસભ્યો, વાગડ-ભચાઉના સ્થાનિકના આગેવાનો, સામાજીક મોભીઓ, મુંબઈગરા વાગડવાસીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં જોડાયા

 

શિકરા પાસે દસ વ્યકિતઓનો ભોગ લેનાર ટ્રેકટર ચાલક સામે ફોજદારી
રોંગ સાઈડે ટ્રેકટર હંકારતા સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત : ઘવાયેલ ટ્રેકટર ચાલકને હોસ્પિટલમાંથી રજા મળે ધરપકડ કરાશે : પીઆઈ ગોઢાણીયા
ભચાઉ : તાલુકાના શિકારા ગામનો પટેલ પરિવાર વિજપાસર ગામે લગ્ન પ્રસંગે મામેરૂ લઈ જતો હતો ત્યારે ભચાઉ નજીક પુરો સિરામીક કંપની સામે ગોજારો અકસ્માત નડતા એકજ પરિવારના દસ સભ્યો યમદુતનો કોળીયો બની ગયા હતા. જ્યારે દસ વ્યકિતઓ ઘવાતા હાહાકાર મચી જવા પામી હતી. પોલીસે ટ્રેકટર ચાલક સામે ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મુળ શિકરા તા.ભચાઉ હાલે મુંબઈ રહેતા જીવરાજભાઈ ખેતાભાઈ અનાવાડીયા (પટેલ) (ઉ.વ.૪ર)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગોજારા અકસ્માતનો બનાવ ગઈકાલે સવારે પોણા દસ વાગ્યે બનવા પામ્યો હતો. લકઝરી તથા ટ્રેકટર વચ્ચે અકસ્માત થતા ટ્રેકટરમાં સવાર દસ વ્યકિતઓને ગંભીર ઈજાઓ થતા મોતને ભેટ્યા હતા. જ્યારે દસ વ્યકિતઓ ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમના મૃતદેહોના પીએમ કરાવી તેમના પરિવારજનોને સોંપ્યા હતા. પટેલ પરિવાર લગ્ન પ્રસંગે મામેરૂ લઈને શિકરાથી વિજપાસર જતો હતો ત્યારે કરૂણાંતિકા સર્જાઈ હતી. પોલીસ ટ્રેકટર નંબર જીજે. ૧ર. સીપી. ૯૦ર૮ના ચાલક ભીમજી નાનજી અનાવાડિયા (રહે. શિકરા તા.ભચાઉ)એ પોતાના કબજાના ટ્રેકટરને પુરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે રોંગ સાઈડે ચલાવી લકઝરી સાથે એક્સિડેન્ટ કરી પોતાને તથા અન્ય નવ વ્યકિતઓને ગંભીર ઈજાઓ પહોંચાડી તથા દસ વ્યકિતઓના મોત નિપજાવવા બદલ ફેટલ એક્સિડેન્ટનો ગુન્હો નોંધી પીઆઈ એમ.આર. ગોઢાણીયાએ તપાસ હાથ ધરી હતી. આ બાબતે પીઆઈ શ્રી ગોઢાણીયાનો સંપર્ક સાધતા ટ્રેકટર ચાલકને ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ છે તેને રજા મળેથી ધરપકડ કરવા આવશે તેવું જણાવ્યું હતું.

 

ગાંધીધામ : “વિધીના વણલખેલા લેખ કહો કે પછી વક્રતા.. ક્ષણવારમાં જ લગ્નનો આનંદ- ઉત્સાહ, શોક અને માતમના મરસીયાઓ ગવાતી” સ્થિતીમાં ગત રોજ કચ્છમાં પલટાઈ ગયો હતો. શિકરાથી વિજપાળસર મામેરૂ લઈને ટ્રેકટરમાં સવાર પરીવારજનોને ગામથી ચાર કી.મી.ના અંતરે જ સામેપથી લગ્નની જાન લઈને આવી રહેલી ખાનગી લકઝરી બસ યમદુત સમાન નીવડ હોય તેવો ગોઝારો અકસ્માત થવા પામી ગયો હતો અને જે ટ્રેકટરમાં બેઠેલાઓ મામેરાની છાબને વધાવવાને થનગની રહ્યા હતા તેઓના એક નહી પરંતુ સાગમટે અકાળે અવસાન થવા પામી જતા ગત રોજ એક જ ટ્રેકટર-ટ્રોલી શિકરાનો વિસ્તાર સદગતોના કરૂણ આક્રંદભર્યા મૃત્યુની ચીચીયારીઓથી ગાજી ઉઠયો હતો. ગત રોજ બનેલી આ કરૂણ ઘટના બાદ આજ રોજ ભચાઉ તાલુકાના નાનકડા એવા શિકરા ગામે સાગમટે એક સાથે નવ-નવ લોકોની અંતિમયાત્રા નીકળતા પરીવારજનો, ગ્રામજનો, ભચાઉ-વાગડના આગેવાનો સોની આંખોમાંથી અશ્રુધારાઓ વહેતા નાનકડું એવુ શિકરા ગામ હીબકે ચડવા પામી ગયુ હતુ. આજ રોજ સવારે નમ આંખોથી આખાય ગામ સહિત સ્થાનિકના અને કચ્છભરના મોભીઓ, આગેવાનો, સહિતનાઓએ સદગતોને શ્રદ્ધાંજર્લી અર્પી અંતિમ દર્શન કરીઅને અંતિમ યાત્રામાં જોડાયા હતા. ગામમાં શોકનો સન્નાટો સ્વયં ભુ પ્રસરી જવા પામી ગયો હતો.
આજ રોજ આ વેળાએ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવી-મુંદરાના ધારાસભ્ય અને ભચાઉના આગેવાન વિરેન્દ્રસીંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ગાંધીધામના રમેશભાઈ મહેશ્વરી, રામજીભાઈ ધેડા, ભરતભાઈ કાવતરા, જયેન્દ્રસિંહ જાડેજા, દીનેશભાઈ પટેલ, મનજીભાઈ નાનજીભાઈ નોર(કાબરા), રમેશ હીરાભાઈ પટેલ (પ્રિન્સ પ્લાય મુંબઈ), ગણેશ પટેલ, નારાણ સંઘાર, જનકસિંહ જાડેજા, ઉમીયાશંકર જોષી, શીતલબેન છાંગા, ઉર્મલાબેન પટેલ, ચંદ્રેશભાઈ પટેલ, રૂકેશભાઈ કાવતરા, દેવેન્દ્ર કોટક, નરેન્દ્ર કોટક, પ્રતાપસિંહ જાલા, કરસન સોનીસહિતનાઓ આજ રોજ અંતિમયાત્રામાં ઉપસ્થીત રહ્યા હતા.
તો ગત રોજ સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો સહિતનાઓની હોસ્પિટલ ખાતે રાપરના ધારાભસ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયાએ રૂબરૂ મુલાકાત લઈ અને ધરપત આપી હતી તથા જરૂરી વ્યવસ્થાઓ બાબતે પણ સમીક્ષાઓ કરી સુચનો કર્યા હતા.
નોધનીય છે કે આગામી ૧૮મીએ વાગડના ૭ર ગામોમાં સમુહલગ્નનું આયોજન કરાયુ હતુ પરંતુ ગમ્ખવાર કરૂણ અકસ્માત બાદ હવે આ લગ્ન સાદગીથી ઉજવવામા આવશે તેવુ ભરતભાઈ કાવતરાએ જણાવ્યુ હતુ.વાગડ પાટીદાર સમાજ પ્રમુખ કાનજીભાઈ કરમશીભાઈ પટણી, જુના કટારીયા સરપંચ અશોક પટ્ટણી, દીનેશ પટેલ, જયેન્દ્રસિંહ જાડેજા, કબરાઉ સરપંચ કાના જગા રાવરીયા, દેવનાથ બાપુ, ચીના મહારાજ, ટીના મહારાજ સહિતનાઓએ પણ શ્રદ્ધાંજલી અર્પી હતી.
ભચાઉ-વાગડ સહિત જિલ્લાના ક્ષત્રીય મોભી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરૂણ અકસ્માતમાં અકાળે અવસાન પામેલા સૌને સહાય આપવા સહિતની જરૂરી રજુઆત મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને કરી હતી.આજ રોજ એક જ પરીવારના નવ લોકોની અંતિમયાત્રામાં ઠેર-ઠેરથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.