૯ માસ પૂર્વે ગાંધીધામમાંથી લૂંટ ચલાવનાર શખ્સની ધરપકડ

ગાંધીધામ : અહીંના ચાવલા ચોકમાં ૯ માસ પૂર્વે મકાનમાં ઘૂસીને છરીની અણીએ લૂંટ ચલાવનાર આરોપીની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એસ.એસ. દેસાઈના માર્ગદર્શન તળે એલસીબીની ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીને આધારે ખારીરોહરના મહાદેવ ફળિયામાં રહેતા યુનુસ ઉર્ફે મોન્ટી કાસમ નિગામણાની ખન્ના માર્કેટમાંથી ધરપકડ કરાઈ હતી. આરોપીની પૂછતાછમાં તેણે લૂંટ કર્યાની કબૂલાત આપી હતી. આરોપીના કબ્જામાંથી પોલીસે લૂંટમાં વપરાયેલી છરી તેમજ દાગીના-રોકડ રકમ સહિત રૂા.પ૬,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.