૯૮ હજારની રોકડ સાથે પોલીસે ર બૂકીઓ ઝડપ્યા : ૧ ફરાર

  • માંડવીમાં સતત બીજા દિવસે આઈપીએલના સટ્ટા પર દરોડો

બીયરના ટીન, બુલેટ, એક્ટિવા, લેપટોપ સહિત પોલીસે ર. ૬૬ લાખનો મુદ્દામાલ કર્યો કબજે

માંડવી : શહેરમાં સતત બીજા દિવસે પોલીસે આઈપીએલની મેચ પર રમાતા ઓનલાઈન સટ્ટા પર દરોડો પાડીને બે બૂકીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો. પોલીસે સટ્ટાના દરોડામાં ૯૮,પ૦૦ની રોકડ રકમ સહિત કુલ ર.૬૬નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બોર્ડર રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સૂચનાને પગલે તેમજ ડીવાયએસપી જે.એન. પંચાલના માર્ગદર્શન મુજબ માંડવીના ઈન્ચાર્જ પીઆઈ આર.સી.ગોહિલની ટીમ દારૂ-જુગારની બદીઓને નેસ્ત નાબૂદ કરવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આર.સી.ગોહિલને મળેલી ખાનગી બાતમી હકીકતને આધારે લાયજા રોડ ઉપર આવેલ આદેશ ઢાબા પાછળ શિવમસ્તુ રેસેડેન્સીમાં દરોડો પડાયો હતો. અહીંના નવકાર બંગ્લોઝ વાળા મકાનમાં બે શખ્સો મોબાઈલ ફોન પર ઓનલાઈન સટ્ટો રમતા હતા. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝ હૈદરાબાદની મેચ પર હારજીત અને રન ફરકના આંક પર રમતા સટ્ટા પર દરોડો પાડીને માંડવી પોલીસે આરોપી કમલેશ શાંતિલાલ શાહ અને નિરવ તુલશીદાસ ગોસ્વામીની ધરપકડ કરી હતી. જ્યારે જિગર ઠક્કર નામનો આરોપી હાજર મળ્યો ન હતો. પોલીસે ઝડપાયેલા આરોપીઓના કબજામાંથી ૯૮,પ૦૦ની રોકડ રકમ, ૧૬,૦૦૦ના ૪ નંગ મોબાઈલ ફોન, ર૦,૦૦૦નું લેપટો, ૧ લાખની બુલેટ, ૩૦,૦૦૦ની એક્ટિવા અને રૂા.ર,૦૦૦ના બીયરના ટીન મળીને કુલ ર,૬૬,પ૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં ઈન્ચાર્જ પીઆઈ આર.સી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ દેવરાજ ગઢવી, સંજયકુમાર, મેહુલકુમાર જોષી, દિલીપસિંહ સિંધવ સહિતનો સ્ટાફ જોડાયો હતો. ઉલ્લેખનીય છે કે, શુક્રવારની રાત્રે પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપરકિંગની મેચ પર માંડવી પોલીસે દરોડો પાડીને ક્રિકેટના સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો તો ગત રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝ હૈદરાબાદની મેચ પર સટ્ટો ઝડપાયો હતો.