૮ના ભૂકંપ ટાણે આયના મહેલ, કલેક્ટર કચેરી, ટોકીઝમાં બચાવ-રાહત કાર્ય કેમ થશે?

ભુજમાં ૧૬મીએ રાજ્યકક્ષાની મોકડ્રીલ લાલન કોલેજમાં યોજાશે

ભુજ : ભુજ ખાતે આગામી ૧૬મી માર્ચે લાલન કોલેજમાં રાજયના આઠ જિલ્લાઓની સાથે કચ્છમાં પણ ‘અર્થકવેક એકસરસાઇઝ’ આયોજન થવા જઇ રહ્યું છે, તેની પૂર્વ તૈયારીઓ અને કામગીરીના સંકલન માટે આજે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લા વહીવટીતંત્રની બેઠકમાં સ્ટેજીંગ વિસ્તાર તરીકે ભુજની લાલન કોલેજ ખાતે મોકડ્રીલ યોજવાનું આયોજન ઘડાઇ રહ્યુંં છે. ભૂકંપ ઝોન-પમાં સમાવિષ્ટ કચ્છમાં મધ્યરાત્રિના ૮ મેગ્નીટયુડનો તીવ્ર ‘ભૂકંપ’ આવે તો, ભુજના આઇના મહેલ, સુરમંદિર સિનેમાગૃહ અને કલેકટર કચેરી એમ ત્રણ સ્થળો ભૂકંપથી અસરગ્રસ્ત થાય ત્યારે તેમાં બચાવ-રાહતની કામગીરીને કેવી રીતે પહોંચી વળાય તેની સમગ્ર કાર્યવાહી ‘અર્થકવેક એકસરસાઇઝ’ મોકડ્રીલ દરમિયાન હાથ ધરવામાં આવશે.
બેઠકમાં જણાવ્યા અનુસાર નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ એકસરસાઇઝમાં જીએસડીએમએ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા આગામી ૧૫મી માર્ચે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ટેબલ ટોપ એકસરસાઇઝ યોજાશે. ભાવિ આફત સામે પૂર્વ તૈયારી એ જ ઉપાયને અનુલક્ષીને જિલ્લા કલેકટર રેમ્યા મોહને ભૂકંપની સંભવિત આપત્તિમાં જિલ્લાનું વહીવટીતંત્ર વધુ સુસજ્જ બને તે હેતુથી મોકડ્રીલનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.
જિલ્લા કલેકટરે ‘અર્થકવેક એકસરસાઇઝ’ના સંદર્ભે પૂર્વ તૈયારીઓની બેઠકમાં કચ્છમાં ૨૦૦૧ના ભૂકંપ સમયે બચાવ-રાહતની કામગીરી બજાવનારા અધિકારીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. અધિક કલેકટર ડી.આર.પટેલે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને તેમની કચેરીના એસઓપી સાથે રીસોર્સ અંગેની વિગતો તાત્કાલિક મોકલી આપવા સૂચના આપી હતી.
આ બેઠકમાં આર્મી, એરફોર્સ, બી.એસ.એફ.ના અધિકારીઓ, ભુજ પ્રાંત આર.જે.જાડેજા, નખત્રાણાના મદદનીશ કલેકટર શ્રી અરવિંદ વિજયન, અંજાર પ્રાંત શ્રી વિજય રબારી, અબડાસા પ્રાંત શ્રી ઝાલા, નાકાઇ અરૂણ જૈન, પા.
પુ.ના શ્રી ભગોરા, નગર પાલિકાના અને રેડક્રોસના પ્રતિનિધિઓ, જીએસડીએમએના મેહુલ પઢીયાર, ના.મા. શ્રી ઠકકર, પોલીસ, ફાયર, આર.ટી.ઓ. માહિતી સહિતના જુદાં-જુદાં વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.