૭ લાખના ઇનામી મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર કાલા જઠેડીની સહારનપુરથી ધરપકડ

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ભારે મોટી સફળતા હાથ લાગી છે. સ્પેશિયલ સેલે દેશના મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડીની સહારનપુર, યુપી ખાતેથી ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો અસફળ પ્રયત્ન કર્યો હતો. ગેન્ગસ્ટર જઠેડી પર ૭ લાખ રૂપિયાનું ઈનામ છે. ગેન્ગસ્ટર પર દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પંજાબમાં અનેક કેસ નોંધાયેલા છે.જઠેડીની ગેન્ગમાં ૨૦૦ કરતા વધારે શૂટર્સ સામેલ છે. તેના મોટા ભાગના શૂટર્સ વિદેશમાં રહે છે અને વિદેશમાં બેસીને શૂટર આ ગેન્ગને ચલાવે છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કાલા જઠેડી પર મકોકા લગાવેલો છે. તે એક દશકાથી અપરાધની દુનિયા પર રાજ કરી રહ્યો છે.સ્પેશિયલ સેલ ડીસીપી મનીષી ચંદ્રાએ જણાવ્યું કે, સ્પેશિયલ સેલ ટીમ ઘણા લાંબા સમયથી કાલા જઠેડીની પાછળ પડી હતી. આ દરમિયાન ટીમે ટેક્નિકલ સર્વિલાન્સની મદદથી સહારનપુરથી શુક્રવારે કાલા જઠેડીની ધરપકડ કરી લીધી હતી. આરોપીએ પોલીસ પાસેથી બચીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ટીમે ઘટના સ્થળે જ તેને પિસ્તોલ સાથે દબોચી લીધો હતો. કાલા જઠેડી આતંકના પર્યાય તરીકે ઓળખાવા લાગ્યો હતો અને હાલ સ્પેશિયલ સેલ ટીમ તેની પુછપરછ કરી રહી છે.દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, સોનીપત રાઈના જઠેડી ગામનો રહેવાસી ગેન્ગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડી દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ૫ રાજ્યોમાં મોસ્ટ વોન્ટેડ છે. કાલાએ ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે અને તે પહેલા કેબલ ઓપરેટર હતો. જૂન ૨૦૦૯માં તેણે રોહતકના સાંપલા ખાતે લૂંટ દરમિયાન પહેલી હત્યા કરી હતી અને ત્યારથી તેના કારનામાની યાદી લાંબી થતી ચાલી હતી. તે પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ માટે કામ કરતો હતો પરંતુ હવે પોતાની ગેન્ગ ચલાવે છે. તેની ટોળકી કાલા જઠેડી અને લોરેન્સ વિશ્રાઈ તરીકે ઓળખાય છે.