૬.૪ ડિગ્રી સાથે નલિયામાં કોલ્ડવેવ

ભુજ : ર૦૧૭ના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએથી જ કચ્છ જિલ્લામાં ફરી ઠંડીએ પોતાનો ચમકારો દર્શાવી દીધો હતો. તેમજ ગતરાત્રીએ પણ ભારે ટાઢોડું છવાયા બાદ આજે સવારે પણ ઠાર યથાવત રહેવા પામ્યો હતો. જિલ્લાના તમામ વિસ્તારોમાં તાપમાનમાં ભારે ઘટાડો થતા ઠંડીની પકડ મજબુત જોવા મળી હતી. તેમાં પણ કચ્છના કાશ્મીર એવા નલિયામાં તાપમાનનો પારો ૩.૮ ડિગ્રી ઘટી આજે ૬.૪ ડિગ્રીએ સ્થિર થતા કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ હતી. જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતનારાજ્યમાં થઈ રહેલી અવિરત હિમવર્ષાની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. જોકે વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસર તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઉચકાવાથી જિલ્લામાં ઠંડીની પકડ ઢીલી પડી હતી. તેમજ વિષમ હવામાનની પણ અનુભુતિ થવા પામી રહી હતી.
જોકે ગઈકાલ સાંજથી વાતાવરણમાં એકાએક પરિવર્તન આવતા ઠંડીની પકડ ફરી મજબુત બની છે. ગત બપોરે ગરમીનો અહેસાસ થયા બાદ સૂર્યાસ્ત બાદથી જ કચ્છભરના વાતાવરણમાં એકાએક ઠંડક છવાઈ જવા પામી હતી. તેમજ રાત્રી બાદથી તો ઠંડીએ મજબુત સીંકજો જમાવી લેતા કચ્છભરમાં આજે ટાઢોડું છવાઈ જવા પામ્યું હતું.
કચ્છના કાશ્મીર એવા નલિયાની વાત કરીએ તો ગતકાલની તુલનાએ આજે તાપમાનમાં ૩.૮ ડિગ્રીનો ઘટાડો થતા લઘુત્તમ તાપમાનનો પારો ૬.૪ ડિગ્રીએ સ્થિર થતા ઠંડીના લીધે નલિયાવાસીઓ રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા. તો સવારના ભાગે માર્ગો પણ સુમસામ ભાસ્યા હતા. બીજી તરફ જિલ્લા મથક ભુજ મધ્યે ગઈકાલની તુલનાએ તાપમાન ૩.ર ડિગ્રી ઘટ્યું હતું જેના લીધે લઘુત્તમ તાપમાન ૧૦.૬ ડિગ્રી નોંધાયું હતું. ભુજમાં આજે સવારના ભાગે ઠારની અનુભૂતિ થવા પામી હતી. તો ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા આવેલ પર્યટકો પણ ઠંડીના લીધે દાંત કકડાવતા નજરે ચડ્યા હતા. સામાન્ય રીતે વહેલી સવારથી જ ધમધમતા ભુજના માર્ગો ઠંડીના લીધુ સુમસામ જોવા મળ્યા હતા. તો કંડલા એરપોર્ટ મધ્યે ૧૧.ર તેમજ ન્યુ કંડલા મધ્યે ૧ર.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કચ્છમાં ભેજના પ્રમાણમાં ઘટાડો થવાના લીધે ઠંડીની પકડ એકાએક મજબુત બની છે. ત્યારે આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની સંભાવનાઓ છે.