૬ મહિનામાં કોંગ્રેસનું નવુ સ્વરૂપઃ ર૦૧૯માં ભાજપને હરાવશું

ગરીબી હટાવવા અને રોજગારી વધારવાને બદલે સરકાર નફરત અને વિઘટનને પ્રોત્સાહન આપે છે : જાતિ અને ધર્મના નામે લોકોમાં ભાગલા પડાવવામાં આવે છે

મનામા (બહેરીન)ઃ વિદેશની ધરતી ઉપર ફરી એક વખત રાહુલ ગાંધીએ કોંગ્રેસની ભુલોને સ્વીકારી છે. કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યો છે કે અગાઉ તેમણે ભુલો કરી છે પરંતુ હવે દેશને એક નવી કોંગ્રેસ આપવાનો મારો ઇરાદો છે. જેમાં ભારત માટે એક પરિકલ્પના હશે તો તેને પુર્ણ કરવા માટે ઉત્સાહ અને રોડમેપ પણ બનશે. બહેરીનમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરતા તેમણે આ વાત જણાવી હતી. રાહુલ ગાંધી બહેરીનમાં શરૂ થયેલ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરીજીનના ત્રણ દિવસના સમારોહના મુખ્ય મહેમાન હતા. સમારોહમાં પ૦ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. તેમનુ કહેવુ હતુ કે, કોંગ્રેસમાં મારા જેવા યુવાનો કામ કરી રહ્યા છે તો પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જેવા અનુભવી પણ મોજુદ છે. તેમણે નોટબંધી પહેલા જ કહી દીધુ હતુ કે અર્થવ્યવસ્થાની ગતિ ર ટકા સુધી ઘટી જશે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ગુજરાત ભાજપનો ગઢ છે. અમે ત્યાં મુદા આધારિત ચૂંટણી લડી. ભાજપ ગમે તેમ કરીને પોતાનો કિલ્લો બચાવવામાં સફળ રહ્યુ પરંતુ કોંગ્રેસ લોકો સમક્ષ મજબુતીથી ઉભી થઇ. રાહુલનું કહેવુ હતુ કે ભાજપને હરાવવાનુ મુશ્કેલ નથી. અમે મુદા આધારિત ચૂંટણી લડશુ અને સંસદના આગામી સત્રમાં ભાજપને ફરજ પાડશુ કે મહિલા અનામત બિલને સંસદમાં પસાર કરાવી કાનૂન બનાવવામાં આવે. રાહુલે કહ્યુ હતુ કે, દેશમાં આજે વિચિત્ર સ્થિતિ છે. સરકાર નોકરીઓ સર્જવામાં નિષ્ફળ ગઇ છે. લોકોમાં અત્યંત ગુસ્સો છે. સરકાર આનાથી બચવા માટે જાતિય અને ધાર્મિક ઉન્માદ પેદા કરાવી રહી છે. દેશમાં વિઘટનની સ્થિતિ પેદા થઇ રહી છે. મને વિશ્વાસ છે કે, ર૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને હરાવી નવુ ભારતનું નિર્માણ કરીશુ. રાહુલ ગાંધીએ સંબોધનમાં કહ્યુ હતુ કે, છ મહિનામાં કોંગ્રેસને નવો ઓપ અને ચમકદાર બનાવી દેવાશે. આ માટે પક્ષમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે. ફરી એકવાર લોકોનો ભરોસો કોંગ્રેસ પ્રત્યે આવશે. તેમણે કહ્યુ હતુ કે, અમારી ત્રણ પ્રાથમિકતા છે. રોજગારીની તકો વધારવી, સારી અર્થવ્યવસ્થા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવુ અને શિક્ષણની સિસ્ટમમાં સુધારો કરવો, તેમણે કહ્યુ હતુ કે, દેશ આજે આઝાદ છે પરંતુ ખતરામાં છે. કોંગ્રેસ જાણે છે કે ભાજપ સામે કેવી રીતે લડવાનુ છે. અમારા પક્ષે અંગ્રેજોને પણ હરાવ્યા હતા. અમે જાણીએ છીએ કે અગાઉ પક્ષે ભુલ કરી હતી પરંતુ અમારી પાસે એટલી તાકાત છે કે ર૦૧૯માં ભાજપને હરાવશુ. અમે તમારી સામે એક નવી કોંગ્રેસ લાવશુ. કોંગ્રેસનું અઘ્યક્ષ પદ સંભાળ્યા બાદ રાહુલનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે હવે તેઓ કેનેડા, સિંગાપુર અને મઘ્યપુર્વના દેશોએ જશે. કોંગ્રેસ માટે એનઆરઆઇનો સાથ લેવા અમે વિદેશમાં વસતા ભારતીયોમાં કોંગ્રેસને લોકપ્રિય બનાવવા તેઓ હવે ધડાધડ વિદેશ પ્રવાસો કરશે.