૫ીજીવીસીએલ ભુજ સર્કલની પ્રિ-મોન્સુન કામગીરી પાંગળી પ.કચ્છમાં વીજ તંત્રની કામગીરી માત્ર પ૦ ટકા જ થઈ

ભુજ, માંડવી, નખત્રાણા ડિવિઝનમાં જાન્યુઆરીથી જૂન ર૦૧૮ સુધી કરવાનું હતું કામ

 

ભુજ : ચોમાસુ નજીક આવે તે પૂર્વે વિવિધ તંત્ર દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ તો વીજ તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી ખુબ લાંબી ચાલતી હોય છે. જોકે આ વર્ષે હજુ સુધી પ.કચ્છ ભુજ સર્કલમાં માત્ર પ૦ ટકા જ કામગીરી થઈ છે. સરકાર દ્વારા વીજ તંત્રને જાન્યુઆરી ર૦૧૮થી જૂન ર૦૧૮ દરમ્યાન પ્રિ-મોન્સુનની કામગીરી સંપન્ન કરવા જણાવાયું હતું. ત્યારે હવે માત્ર દોઢેક માસનો સમય જ બાકી છે અને પ૦ ટકાની કામગીરી કરવાનું બાકી છે. પ.કચ્છ ભુજ સર્કલના મુખ્ય ઈજનેર શ્રી જોષીએ આપેલી માહિતી પ્રમાણમાં તેમના સર્કલમાં ૩ ડિવિઝન છે. જેમાં ભુજ, માંડવી અને નખત્રાણા ડિવિઝન વાઈઝ કામગીરી પ્રિમોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રિ-મોન્સુની કામગીરીમાં મોટે ભાગે ફિડર, ટ્રાન્સફોર્મર, એચટી- એલટી લાઈનમાં સમારકામ કરવાનું હોય છે. આ ઉપરાંત જુના થઈ ગયેલા વીજ રેસા બદલવા અને વીજ વાયરોની આસપાસ વધી ગયેલી ઝાડીઓનું કટીંગ પણ કરવાનું હોય છે. જેથી વરસાદ સમયે શોર્ટ સર્કિટના બનાવો અટકાવી શકાય તેમજ વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા નિવારી શકાય. જોકે આ વર્ષે અત્યાર સુધી ભુજ સર્કલ દ્વારા પ૦ ટકા કામગીરી થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. ભુજ સર્કલમાં કુલ ૭ર ફિડર છે. જેમાં ત્રણેય ડિવિઝનમાં ર૪-ર૪ ફિડરો આવે છે. તો કુલ ૭૭૦ ટ્રાન્સફોર્મર છે. દરેક ફિડરની એચટી લાઈનો અંદાજે ૩૦પ૦ કિ.મી. છે તેવી જ રીતે એલટી લાઈનો ૬૬૦ કિ.મી. છે. ત્યારે આ ફિડરો અને લાઈનોમાં કામગીરી ચાલુ છે તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં બાકી રહેતી કામગીરી આગામી ચોમાસાના આગમન પૂર્વે સંપૂર્ણ કરવાનું ઉમેર્યું હતું.