૪૯ કરોડનું પુરાંત સાથે ર૪૦.પપ કરોડનું ભુજ તાલુકા પંચાયતનું બજેટ પસાર

૧૯૧.૩૯ કરોડના ખર્ચ સાથેના હિસાબો કરાયા રજૂ : વિવિધ ક્ષેત્રોમાં ૬.૩૦ કરોડની કરાઈ જોગવાઈ : મનરેગાના કામો મુદ્દે વિપક્ષ દ્વારા કરાઈ ઉગ્ર રજૂઆતો

ભુજ : તાલુકા પંચાયતની આજે મળેલી બજેટલક્ષી સામાન્યસભામાં વર્ષ ર૦૧૮-૧૯ના અંદાજપત્રને રજૂ કરી બહાલી અપાઈ હતી. જેમાં ૪૯ કરોડની પુરાંત સાથે કુલ્લ ર૪૦.૧પ કરોડનું બજેટ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
ભુજ તાલુકા પંચાયતના અધ્યક્ષા કંકુબેન ચાવડા, ઉપપ્રમુખ હિતેશ ખંડોર તેમજ સચિવ પદે ટીડીઓ એસ. એમ. જાનીની અધ્યક્ષતામાં મળેલી તાલુકા પંચાયતની સામાન્યસભામાં વાર્ષિક હિસાબો રજૂ કરવાની સાથે વર્ષ ર૦૧૮-૧૯નું અંદાજપત્ર પસાર કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષની તુલનાએ ૧૦ કરોડથી વધુનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ ર૦૧૮-૧૯માં કુલ્લ આવક ર૦૧ કરોડની આવક સામે અંદાજીત ૧૯૧.૩૯ કરોડનો ખર્ચ દર્શાવીને ૪૯.૧પ કરોડની પુરાંત સાથેનું બજેટ રજૂ કરાયું હતું. એકંદરે કુલ્લ બજેટ ર૪૦ કરોડ પપ લાખ રર હજારનું રજૂ કરીને બહાલી અપાઈ હતી. બજેટમાં કુલ્લ ૬ કરોડ ૩૦ લાખ ર૦ હજારની જોગવાઈઓ કરવામાં આવી હતી. જેમાં ખાસ તો બાંધકામ ક્ષેત્રે પ.૩૪ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણી પુરવઠાની યોજનાઓ માટે જરૂરીયાત મુજબ ૩ લાખની જોગવાઈ કરાઈ હતી. તો નરેગાની કામગીરી અંગે ચર્ચા દરમ્યાન વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં વિપક્ષી સભ્ય રાજેશ આહીરે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મનરેગા યોજનાની ગ્રાન્ટો મોટા ઉદ્યોગકારોને સોંપી દેવાય છે અને ખરા અર્થમા જરૂરમંદોને મનરેગા યોજનાના કામોનો લાભ મળતો નથી. તો મનરેગા હેઠળ થયેલા કામોની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ વિપક્ષ દ્વારા કરાઈ હતી.
સામાન્ય સભામાં અધ્યક્ષા કંકુબેન ચાવડા, ઉપપ્રમુખ હિતેશ ખંડોર, હરીશ ભંડેરી, ભાવનાબેન ચાવડા, સજુભા જાડેજા, નારાણ આહીર, વિનોદ વરસાણી, વિપક્ષી નેતા જુમાભાઈ, રાજેશભાઈ આહીર સહિતના સદસ્યો અને તાલુકા પંચાયતના અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.