૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભુજ આઈકોનીક બસ પોર્ટની ફાઈનલ ડિઝાઈન ચીફ કમીટીની મંજૂરીની રાહમાં

સેપ્ટ સહિતની એજન્સીઓ દ્વારા સૂચવાયા છે સુધારા- વધારા : સંભવતઃ બે – ચાર દિવસમાં લાગી જશે મંજૂરી મહોર

ચીફ કમીટીની લીલીઝંડી બાદ ભાડામાં પ્લાન મંજૂરી માટે મોકલાશે : ભૂપેન્દ્ર ચારોલ (એસ.ટી. વિભાગીય નિયામક)

ભુજ : ૪૦ કરોડના ખર્ચે જિલ્લા મથક ભુજ મધ્યે નિર્માણ પામનાર આઈકોનીક બસ પોર્ટને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તો જૂના બસ મથકને પણ તોડી પાડવામાં આવ્યું છે. ત્યારે બસ પોર્ટની ફાઈનલ ડિઝાઈન ચીફ કમીટીની મંજૂરીની રાહમાં હોઈ સંભવતઃ બે – ચાર દિવસમાં તેના પર મંજૂરીની મહોર લાગી ગયા બાદ ટૂંક સમયમાં વાસ્તવમાં નિર્માણ કાર્યનો ધમધમાટ આરંભાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ મુલાકાત દરમ્યાન ભુજ આઈકોનીક બસ પોર્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. ૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ બસ પોર્ટમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ વિકસાવાશે. ઉપરાંત બસ મથકને સંસ્કારનગર પાસે ખસેડી લેવાયાની સાથે જૂની ઈમારતો પણ તોડી પાડવામાં આવી છે, પરંતુ તેને સારો એવો સમયવીતી ચુકયો હોવા છતાં પણ હજુ નિર્માણ કાર્યનો ધમધમાટ શરૂ ન થતાં તરેહ- તરેહની વાતોએ જોર પકડયું છે. ત્યારે વાસ્તવમાં આઈકોનીક બસ પોર્ટની ફાઈનલ ડિઝાઈન મંજૂર થઈ ન હોઈ નિર્માણ કાર્ય ઠેલાઈરહ્યું છે. આ બાબતે એસ.ટી.ના વિભાગીય નિયામક ભૂપેન્દ્ર ચારોલાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, સેપ્ટ સહિતની એજન્સીઓ દ્વારા સૂચવાયેલ સુધારા- વધારાઓ બાદ આઈકોનીક બસ પોર્ટની ફાઈનલ ડિઝાઈન ચીફ કમીટી સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવી છે. અને સંભવતઃ બે ચાર દિવસમાં ચીફ કમીટી દ્વારા મંજૂરની મહોર મારી દેવામાં આવે તેવી શકયતાઓ જોવાઈ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય કક્ષાએથી એસ.ટી. તંત્રના સ્થાનિક જવાબદારોને કોન્ટ્રાકટર સાથે સતત સંપર્કમાં રહેવા જણાવાયું છે. ચીફ કમીટી દ્વારા ડીઝાઈન મંજૂર થયા બાદ તેને ભાડામાં પ્લાન મંજૂરી માટે મોકલવામાં આવશે જે બાદ તુરંત જ આઈકોનીક બસ પોર્ટનું નિર્માણ કાર્ય શરૂ થશે.