૩ ઘોરાડના સરંક્ષણ માટે અબડાસામાં વિજ લાઈનો અંડરગ્રાઉન્ડ કરવાના રૂા.ર હજાર કરોડના પ્રોજેક્ટનો સર્વે શરૂ

લાલા-બુડીયાથી સિંધોડી, સુથરી, કોઠારા,ધનાવાડા, નલીયાથી આશાપર, ગુડથર, બિટ્ટા, ખાનાય, કુવા પધ્ધર, કાળા તળાવ, કુણાઠિયા સુધીના વિસ્તારની વિજ લાઈનો અંડર ગ્રાઉન્ડ કરાશે

માત્ર બચેલા ૩ ઘોરાડ પછળ આટલો મોટો ખર્ચ કરવાના બદલે ઘોરાડ અન્યત્ર ખસેડી તે ફંડ માનવ કલ્યાણ માટે વપરાય તો કચ્છનો એક પણ વ્યક્તિ દુઃખી ન રહે

ર૮૯૪ કીલોમીટરની એચ.ટી અને ૬૦૦ કીલોમીટર એલ.ટી. કેબલ ૩૦ થી ૩પ એગ્રીકલ્ચર ફીડર અને ૧૪ થી ૧પ જ્યોર્તિગ્રામ ફીડરોમાં પથરાશે

પ્રોજેકટ કાર્યાન્વિત થાય તો ખેડુતોને પ વરસ સુધી ખેતીવાડીના જોડાણ ન મળે : ખેતીની જમીનો અને છેવાડાના વિસ્તારની ખેતીનો ખો નિકળી જવા સાથે આટલો લાંબો વિસ્તાર મેન્ટેન કરવો પડકારરૂપ કાર્ય

નલિયા : દેશની સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ લુપ્ત થઈ રહેલા ઘોરાડ પક્ષીન બચાવવા માટે પવનચક્કી સાથે સરકારી વિજ કંપનીના વિજ રેષા અંડરગ્રાઉન્ડ કરવાના આદેશ બાદ રૂા.ર હજાર કરોડના ખર્ચે તેને કાર્યાન્વિત કરવાના પ્રોજેક્ટના સર્વેનું કામ અબડાસા તાલુકામાં શરૂ કરી દેવામાં આવ્યું છે.પર્યાવરણપ્રેમી વર્તુળોમાંથી મળતી માહીતી મુજબ અબડાસામાં લુપ્ત થતી પ્રજાતિ ઘોરાડના પવનચક્કી અને સરકારી વિજલાઈન સાથે અથડાવાથી મૃત્યુનો સિલસિલો શરૂ થતા તેના પર રોક લગાવવા માટે છેક સુપ્રિમ કોર્ટ સુધી લડત કાનુની રીતે કરાઈ હતી. કોર્બેટ ફાઉન્ડેશન પણ તેમાં સક્રિય રહ્યું હતું. કાનુની લડત બાદ નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા તમામ ખાનગી અને સરકારી વિજ કંપનીના ખુલ્લા વાયરના બદલે અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવાનો આદેશ કરવામાં આવ્યો હતો જેના પગલે રૂા.ર હજાર કરોડના ખર્ચે આવા વિજ રેષા અંડરગ્રાઉન્ડ કરવા માટે ફંડની પણ જોગવાઈ કરી દેવામાં આવી છે અને તે પ્રોજેક્ટના અમલીકરણની દિશામાં પ્રથમ ચરણ સમાન સર્વેનું કામ અબડાસા તાલુકામાં શરૂ કરી દેવામાં આવેલ છે. સર્વે અંતર્ગત નલીયા નજીક આવેલ ઘોરાડની લાલા-બુડીયા સેન્ચુરીથી સિંધોડી નાની-મોટી, સુથરી સુધી, નલીયાથી કાળા તળાવ-કુણાઠિયા, બિટ્ટા, ખાનાય, કુવાપધ્ધર સુધીનો વિસ્તાર , કોઠારાથી ધનાવાડા સુધીનો વિસ્તાર, આશાપર, ગુડથર, જખૌ બંદર સુધીનો વિસ્તાર સહિત તમામ વિજરેષા અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. જેમાં ખેતીવાડી એટલે કે એજીના ૩૦ થી ૩પ ફીડર તથા જ્યોર્તિગ્રામ યોજનાના ૧૪ થી ૧પ ફીડર મળી હાઈ ટેન્શન લાઈનના આશરે ર૮૯૪ કીલોમીટર અને લો ટેન્શન લાઈનના આશરે ૬૦૦ કીલોમીટરમાં ખુલ્લી વિજલાઈનોના બદલે અંડર ગ્રાઉન્ડ કેબલ પાથરવામાં આવશે. જેનો સર્વે કરવાની અબડાસા તાલુકામાં શરૂઆત થવા સાથે પ્રોજેક્ટને કાર્યાન્વિત કરવાની દિશામા સરકાર દ્વારા પગલા ભરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટથી ઘોરાડના સંવર્ધનને બળ મળશે તેવી આશા સેવાઈ રહી છે.સામે આ પ્રોજેક્ટની આડઅસરો અબડાસા માટે વિનાશ વેરનારી બની રહે તેવી ભીતી અમુક ખેડુત અગ્રણીઓ અને જાગૃતોએ વ્યક્ત કરી છે. આટલા લાંબા વિસ્તારમાં વિજ લાઈનમાં ફોલ્ટ થાય તો તેને ગોતવો મુશ્કેલ બનશે. અહીંની પ્રજામાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોઈ અને ખેતી માટે તથા અન્ય કાર્ય માટે જેસીબી દ્વારા થતા ખેડવાણ દરમ્યાન વિજશોકના અકસ્માતના બનાવોનું પ્રમાણ વધશે. સાથે પ્રોજેક્ટના સર્વેથી લઈ કામ બેથી ત્રણ વરસ ચાલે તે દરમ્યાન એગ્રી ક્લ્ચર કનેક્શનો આપવા પર રોક લાગી જશે. ખેડૂતોના ખેતરોમાંથી તથા અબડાસાની દરિયા કિનારા નજીકની ક્ષારવાળી જમીનમાં કેબલ સડી જવાના તથા અન્ય પ્રશ્નો પણ ઉદ્દભવશે. આટલા મોટા વિસ્તારને મેન્ટેન કરવો અને તે પણ અંડર ગ્રાઉન્ડ કેબલને તે પડકારરૂપ કાર્ય બની જશે.હાલ બિન સત્તાવાર રીતે અબડાસામાં માત્ર ૩ ઘોરાડ જ બચ્યા હોવાની ચર્ચા છે તેના માટે રૂા.ર કરોડનો ખર્ચો કરાય તે સુપ્રિમ કોર્ટના આદેશને માથે ચડાવવાની વાત કરતા ખેડુત અગ્રણીઓની દલીલી છે કે માત્ર ૩ ઘોરાડ માટે રૂા.ર હજાર કરોડનો ખર્ચો કર્યા બાદ વસતી વધશે તેની કોઈ ખાતરી નથી જેથી અગાઉ જેમ ગીરના સિંહને અન્યત્ર ખસેડી તેને બચાવવાના ઉપાયો હાથ ધરાયા હતા તેમ માત્ર બચેલા ૩ ઘોરાડને જ અન્યત્ર ખસેડી તે રકમ માનવ વિકાસ માટે કચ્છમાં વાપરવામાં આવે તો કચ્છનો એક પણ ગરીબ ભુખ્યો ન સુવે અને અન્ય વિકાસ કામો પણ હાથ ધરી શકાય તેવી ચર્ચા થઈ રહી છે. ઘોરાડ લુપ્ત થઈ રહ્યા છે તેને બચાવવા જરૂરી છે તે વાત સાથે ખેડુતો સહમત છે પણ તેના લીધે અબડાસાની ખેતીની જમીનો તથા ખેતીનો પણ ખો નિકળી જશે રૂા.ર હજાર કરોડના પ્રોજેક્ટ અગાઉ ખેતીની જમીનો અને ખેતીને કેટલું નુકશાન થશે તેનો સર્વે અગાઉથી કરી તેની વિચારણા કરવાનું ખેડુત અગ્રણીઓ જણાવી રહ્યા હોઈ સરકાર દ્વારા તે દિશામાં વિચારવું પડશે તે નિશ્ચિત બાબત છે.