૨ હજારથી વધુ નર્સની જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે સીધી ભરતી કરાશે

(જી.એન.એસ.)ગાંધીનગર,રાજયમાં ૨ હજારથી વધુ નર્સની જગ્યાઓ તાત્કાલિક અસરથી સીધી ભરતીથી ભરવાનો નિર્ણય આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવાયો છે. કોર કમિટિના આ નિર્ણય અનુસાર, રાજ્યમાં ૨૦૧૯ જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ હાથ ધરશે.રાજયમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ચોતરફ કોરોનાના કેસોએ હાહાકાર મચાવ્યો હતો. જો કે શહેરી વિસ્તારમાં તબક્કાવાર ઘટાડો નોંધાતો જાય છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં કેસોમાં તબક્કાવાર વધારો થઇ રહ્યો છે. આ ગામડાંઓમાં કોવિડ કેર સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને ત્યાં ઓક્સીજનથી માંડીને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, પરંતુ કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે મેડિકલ સ્ટાફની અછત વર્તાઇ રહી છે.જેના પરિણામે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કોર કમિટીની આજની બેઠકમાં બે હજારથી વધુ નર્સની જગ્યાઓ તાત્કાલિક અસરથી સીધી ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.