૨ વર્ષની બાળકીને ૧૦ દિ’ પહેલા માથામાં વાગ્યું અને ૨૧ દિવસ પછી ધનુરનું ઝેર ઉતર્યું

જી.કે. જનરલ હોસ્પિટલમાં પીડિયા વિભાગે ખાવડાની બાળકી સારવાર આપી : સામાન્ય દેખાતા ધનુરને હળવાશથી ન લેવા આપી સલાહ

ભુજ : કોઈ લોખંડ અથવા ધારદાર વસ્તુ વાગી જાય તો હળવાશથી લેવાને બદલે તાત્કાલિક ધનૂરનું ઈંજેકશન આવશ્યક છે અને તેમાં જાે બાળકને માથામાં વાગે તો આંખ આડા કાન કરવાને બદલે સારવાર લેવી જાેઈએ. એક ૨ વર્ષની બાળકીને ૧૦ દિવસ પહેલા માથામાં વાગવાથી અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ૨૧ દિવસથી સારવાર લીધા બાદ ધનુરનું જાેર ઉતર્યું હતું.
હોસ્પિટલના બાળકના નિષ્ણાંત ડો. કરણ પટેલે કહ્યું કે, ખાવડાની ૨ વર્ષની હબીબાને માથામાં વાગવા પછી ૮-૧૦ દિવસ બાદ શરીર જકડાવા લાગ્યું અને ઝાટકા આવવા લાગતાં તેને હોસ્પિટલમાં લાવવામાં આવી. તુરંત દાખલ કરી ટીટનસ ઇંયુનોગ્લોબિન અને ધનુરની રસી આપી. જરૂરી ઈંજેકશન સાથે આઈવીએફ આપવા સાથે સ્નાયુની દવા ચાલુ કરી. દરમિયાન બાળરોગ નિષ્ણાત અને પ્રો.ડો. રેખાબેન થડાનીની રાહબરી હેઠળ બાળકનું ૨૪ કલાક મોનિટરિંગ કરી શ્વાસ ન રોકાય તેની તકેદારી રાખી સમય જતાં ખેંચ અને ઝટકા ઓછા થયા. ક્રમશઃ સારવાર ઘટાડતા જઇ નળી વાટે દૂધ આપ્યું. સ્પાઝમ ઓછા થતાં મોઢેથી ખોરાક ચાલુ કરી અંતે ઝેર ઘટી જતાં અને સ્વસ્થ થયેલી બેબીને રજા આપવામાં આવી હતી.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર લોખંડ અને કાટવાળી ચીજવસ્તુ લાગવાથી ટીટનસ થવાની શક્યતા વધુ હોય છે. તેની અસર એટલી વ્યાપક હોય છે કે, શરીર ક્યારેક ધનુષ આકારનું થઈ જાય છે. તે ઘણીવાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ઘણીવાર તેની સીધી અસર જ્ઞાનતંતુ પર થાય છે. આમ સામાન્ય લાગતો ધનુર જાે રસી ન લીધી હોય તો વાગવાના સ્થળેથી તેજ ગતિએ જીવાત ન્યૂરોટોકસીન ચારેબાજુ શરીરમાં ફેલાઈ જાય છે.