૨ ઓકટો.થી ગ્રા.પં.માંથી નીકળશે ડુપ્લીકેટ આરસી બુક-ડ્રાઈવિંગ લાઈસન્સ

ઈ-ગ્રામ કેન્દ્રના કર્મીઓને તાલીમ અપાશે : ઈ-ગ્રામ સેન્ટરમાં આરટીઓને લગતી ડીજીટાઈઝ સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરાશે : અરજદારોનું કામ સમયસર થઈ જાય અને પૈસા તથા સમયનો વ્યય થતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણય

ભુજ : ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક લોકો આરટીઓના કામકાજ માટે શહેરોમાં કે પછી જિલ્લાકક્ષાએ આવેલી આરટીઓ ઓફિસમાં જતા હોય છે પરંતુ ઓફિસોમાં કામનું ભારણ વધતા અનેક દિવસો સુધી કામનો નિકાલ થતો નથી તથા અરજદારને વારંવાર ધકકા ખાવા પડતા હોય છે. આવા અરજદારોનું કામ સમયસર થઈ જાય અને પૈસા તથા સમયનો વ્યય થતો અટકાવવા માટે તા.૨ ઓકટો.થી રાજ્યમાં આવેલી દરેક ગ્રામ પંચાયતોમાં આવેલા ઈ-ગ્રામ સેન્ટરમાં આરટીઓને લગતી ડીજીટાઈઝ સેવા કાર્યરત કરીને અરજદારોને ગ્રામ પંચાયતમાંથી જ ડુપ્લીકેટ આરસી બુક તથા ડ્રાઈવિંગ લાઈસન્સ કાઢી આપવામાં આવશે.રાજય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અરજદારો માટે સરકારની રોજબરોજની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સેવા સેતુ કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે. ત્યારે આ સેવા સેતુમાં આગામી તા. ર જી ઓકટોબરથી દરેક ગ્રામ પંચાયતમાં ઇ-ગ્રામ સેન્ટર ખાતે આરટીઓને લગતી ડીજીટાઇઝ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. ડુપ્લિકેટ આરસી બુક-ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, એપ્રેન્ટિસ લાઇસન્સ,
એપોઇન્ટમેન્ટ, હાઇપોથેકેશન રદ કરવા, ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ, આરસી બુક સંબંધિત માહિતી આપવી, ડ્રાઇવિંગ લાઇસન્સ, માટે અરજી વાહન આર.સી. બેકલોગ ઓપરેશન સહિત ૧૦ કામગીરી થશે.આરટીઓ સંબંધિત અરજદારે ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ સેવા કેન્દ્ર પર ઈ-ગ્રામ ખાતે નિયત ફી ચૂકવવાની રહેશે. ત્યારે આરસી સંબંધિત માહિતી અને ડ્રાઇવિંગ લાયસન્સ સેવા અરજદારને દિવસે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારે બાકીની અરજીઓ માટે, અરજદારે જરૂરી આધાર પુરાવા અને ફી સાથે ઈ-ગ્રામ સેવા કેન્દ્રમાંથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને નિયત તારીખ મેળવવી પડશે અને અરજીઓનો નિકાલ ઈ-ગ્રામ સેવા કેન્દ્રમાં પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે. દરેક ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ સેન્ટર ખાતે સરકારશ્રીની રોજ-બરોજની સેવાઓ સાથે આરટીઓને લગતી ડીજીટાઇઝ સેવાઓ શરૂ થયે લોકોને હવે આરટીઓ કચેરી સુધી લાંબા નહી થવુ પડે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે ગ્રામ પંચાયત કચેરીમાં મોટા ભાગના સરકારી કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ત્યાં કોઈ સ્ટાફ – ઈન્ટરનેટ સહિત અનુક અધુરાશો મુદ્દે કોઈ ખોલ પાડવામાં આવી નથી. કચ્છના દુર્ગમ વિસ્તારોમાં અમુક તલાટી સહિતની કામગીરીમાં કચવાટ થતો હોય છે ત્યારે આ વધારાની કામગીરી ગ્રામ પંચાયતને સોપવામાં આવી છે, તે કેટલી સફલ નિવડે તે જોવું રહ્યું.