૨૭મીથી વન મહોત્સવ : ૧૦ કરોડ રોપાની કરાશે વાવણી

અમદાવાદ : રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૭મી જુલાઈથી રાજ્યકક્ષાનો વન-મહોત્સવ શરૂ થશે. મુખ્યમંત્રીના વિજય રૂપાણીને અધ્યક્ષસ્થાને આ મહોત્સવ કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના સરસપુર ગામ નજીક રૂદ્રમાતા ડેમ સાઈટ પર યોજાશે. આ વખતે વિશેષ કરીને દરેક જિલ્લા દીઠ એક ‘વૃક્ષ-રથ’નું પ્રસ્થાન કરાવાશે. જે ડોર-ટુ-ડોર ફરશે અને વૃક્ષોના રોપાનું વિતરણ કરશે. એવી જ રીતે તમામ તાલુકા કક્ષાએ, તમામ મહાનગરપાલિકા-નગરપાલિકા અને ૪૫૦૦ ગ્રામ કક્ષાએ પણ ઉજવણીના કાર્યક્રમો યોજાશે.
વન મંત્રી ગણપતભાઈ વસાવાએ કહ્યું હતું કે, આ વખતે ૧૦ કરોડ રોપા વાવવાનું આયોજન છે. અગાઉ વનોની બહાર ૨૫ કરોડ જેટલા વૃક્ષો હતા, હવે તે વધીને ૩૪ કરોડ થઈ ગયા છે. ચેરના વૃક્ષોના વાવેતરમાં ગુજરાતનો ક્રમ દેશમાં દ્વિતિય છે. રક્ષિત વનોમાં હાલ દેશની સરેરાશ ૪.૫ ટકા છે. જ્યારે ગુજરાતમાં ૮.૯ ટકા રક્ષિત વન છે. આ બધુ જ રાજ્યમાં યોજાતા વન મહોત્સવોનું પરિણામ છે.
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મેટ્રો રેલ પ્રોજેક્ટ સહિતના વિવિધ પ્રોજેક્ટ્‌સમાં વૃક્ષો કાપવા પડે છે તો તેની સામે જેટલા વૃક્ષો કપાયા હોય તેનાથી બમણાં વૃક્ષો વાવીને તેને ઉછેરાય છે. તેમણે ઉમેર્યું કે, આ વખતે ફળાઉ પ્રકારના વૃક્ષોના ૨૦૩ લાખ રોપા, આયુર્વેદિક ૭૧ લાખ, સુશોભિત ૧૨૮ લાખ, ઈમારતી ૪૭૬ લાખ અને અન્ય પ્રકારના ૯૯ લાખ સહિત કુલ ૯.૭૭ કરોડ જેટલા રોપાં ઉછેરવામાં આવ્યા છે.