૨૬ દિવસમાં એસટીના ૬૦ કર્મચારીઓના મોત, ૭,૨૩૯ કર્મચારીઓ સંક્રમિત

(જી.એન.એસ)અમદાવાદ,કોરોનાની બીજી લહેર હવે કહેર વરસાવી રહી હોય તેમ ૨૬ દિવસમાં એસ.ટી. મહામંડળના કુલ ૬૦ કર્મચારીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. આ વિગત બહાર આવતા હવે એસ.ટી. મહામંડળે એક યાદી બહાર પાડી કોઓર્ડીનેશન સેલ બનાવવાનો નિર્ણય લીધો છે.આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર લોકડાઉનમાં ભલે પ્રવાસી ટ્રાન્સપોર્ટેશન પર પ્રતિબંધ હોય પણ મુંબઈ, થાણે, પાલઘર સહિત વિવિધ શહેરોમાં અતિ આવશ્યક સેવા માટે એસ.ટી.ની બસોનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. મુંબઈમાં બેસ્ટની મદદ માટે એસ.ટી.ની એક હજાર બસ ચલાવવામાં આવી રહી છે.શરૃઆતમાં એસ.ટી. કર્મચારીમાં કોરોનાનું સંક્રમણ મર્યાદિત હતું પણ એપ્રિલ મહિનાની શરૃઆતથી વધારો નોંધાયો હતો. ૨૬ એપ્રિલ સુધીમાં એસ.ટી.ના કુલ ૭૨૩૯ કર્મચારી કોરોના સંક્રમિત થયા હતા. જેમાંથી ૫૫૭૦ કર્મચારીઓ સારવાર લીધા બાદ સાજા થઈ ગયા હતા.હાલ ૧૪૯૧ કર્મચારી પર ઉપચાર ચાલી રહ્યો છે. ૧ એપ્રિલ સુધીમાં એસ.ટી.ના ૧૧૮ કર્મચારીના મૃત્યુ થયા હતા જ્યારે ૨૬ એપ્રિલ સુધીમાં આ આંકડો ૧૭૮ પર પહોંચી ગયો હતો. જેનો અર્થ એ કે છેલ્લા ૨૬ દિવસમાં ૬૦ એસ.ટી. કર્મચારીનું મૃત્યુ થયું છે.