અમદાવાદ : અમદાવાદના શિવાલિક પરમ સ્ટ્રક્ચર એલએલપી (શિવાલિક ગ્રૂપે) શિવાલિક શારદા હારમની નામની સ્કીમમાં અલ્ટરેશનની અરજીને મંજૂરી મળ્યા પહેલા ૨૨ યુનિટનું વેચાણ કર્યું હોવાનું સાબિત થતાં ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)એ શિવાલિક ગ્રૂપના પ્રમોટરને ૧૦ લાખનો દંડ કર્યો છે.આ કિસ્સામાં રેરાએ સુઓમોટો કેસ દાખલ કર્યો હતો. રેરાએ કરેલા આદેશ મુજબ શિવાલિક ગ્રૂપે રેરા અલ્ટરેશન રજિસ્ટ્રેશન મેળવતા પહેલા પ્રોજેક્ટના યુનિટનું વેચાણ-બુકિંગ કર્યું હતું. પ્રોજેક્ટમાં કુલ ૨૭૯ યુનિટ છે. જે પૈકી ૨૮ યુનિટનું વેચાણ થયું હતું તેમાંથી ૨૨ યુનિટનું વેચાણ અલ્ટરેશનની અરજી મંજૂર થતાં પહેલા કર્યું છે. કુલ ૧૬ યુનિટના વેચાણ-બુકિંગ પેટે એગ્રિમેન્ટ ફોર સેલ કર્યા પહેલા વેચાણ કિંમતના ૧૦ ટકાથી વધુ રકમ મેળવી હોવાનું પ્રસ્થાપિત થયું છે.રેરાએ શિવાલિક ગૃપના પ્રમોટરને પોતાનો પક્ષ રજૂ કરવા માટે ૧૬ જુલાઈના રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે સુનાવણીમાં હાજર રહેવા નોટિસ અપાઇ હતી. સુનાવણી દરમિયાન પ્રમોટરના પ્રતિનિધિ સીએ કરણ શાહે રેરાને મૌખિક રજૂઆતમાં જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં કુલ ૧૬ યુનિટમાં એગ્રિમેન્ટ ફોર સેલ કરવાના બાકી હતા તેમાંથી ૧૧ યુનિટમાં એગ્રિમેન્ટ થઇ ગયા છે ૨ યુનિટ રદ થયા છે અને ૩ યુનિટમાં એગ્રિમેન્ટ કરવાના બાકી છે. ૨૨ યુનિટનું વેચાણ- બુકિંગ અલ્ટરેશનની અરજી મંજૂર થતા પહેલા કરાયુંં છે જે મૂળ પ્લાન હેઠળનું બુકીંગ છે.રેરાએ નોંધ્યુ હતું કે પ્રોજેક્ટના મૂળ પ્લાન મુજબ કુલ બાંધકામના એ અને બી એમ કુલ બે બ્લોકને રજિસ્ટ્રેશન અપાયું હતું જે કોમર્શિયલ તરીકે મંજૂર થયું હતું. આ પ્રોજેક્ટના િરવાઇઝ પ્લાન મુજબ બ્લોક નં. એ,બી,સી,ડી,ઇ,એફના રજિસ્ટ્રેશન માટે મંજૂરી મળી છે જેનો ઉપયોગ મિક્સ ડેવલપમેન્ટ માટે મંજૂર થયો છે. આથી આ વેચાણ મૂળ પ્લાનમાં દર્શાવેલા યુનિટ મુજબના જણાતા નથી.રેરાએ અમદાવાદના શિવ ઉગતી ડેવલપરને શિવ ઉગતી રેસિડેન્સી પ્રોજેક્ટ માટે વિકાસ પરવાનગી મળ્યાના ૪ વર્ષ અગાઉ ગ્રાહક પાસેથી બે યુનિટના બુકિંગ પેટે લીધેલા ૭.૨૪ લાખ ૯ ટકા વ્યાજ સાથે પરત ચૂકવવા અને ફરિયાદ ખર્ચ પેટે ૨૫ હજાર ચૂકવવાનો આદેશ કર્યો છે. મેઘાણીનગરના અજયસિંહ ગોહિલે રેરામાં ફરિયાદ કરી હતી કે તેમણે શિવ ઉગતી રેસિડેન્સીમાં ૨૦૧૨માં બે યુનિટ બુક કરાવ્યા હતા અને એક યુનિટના ૩.૬૨ લાખ લેખે બે યુનિટના ૭.૨૪ લાખ વર્ષ ૨૦૧૫ સુધી ચૂકવી આપ્યા હતા છતાં બાંધકામ શરૂ કરાયું ન હતું.કોર્પોરેશને આર્થિક નબળા વર્ગના લોકો માટેના આવાસ બનાવવા માટે મૂકાયેલા ઈડબલ્યુએસ ૩૯ પ્રોજેક્ટ નિર્ધારિત તારીખે પૂર્ણ નહીં થયો હોવા છતાં મ્યુનિ.એ એક્સટેન્શન માટેની અરજી ન કરતા રેરાએ મ્યુનિ.ને ૩૦ હજારનો દંડ ફટકાર્યો છે. રેરાએ આ મામલે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી હતી અને રેરાના ચેરમેન ડો.અમરજીતસિંહના કોરમમાં સુનાવણી થઇ હતી. કોર્પોરેશનને દંડ ઉપરાંત અંતિમ અહેવાલના પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.