૨૧ એડી. એસપીના પોસ્ટીંગ પછી પીઆઈ ટુ ડીવાયએસપીના લેવાશે નિર્ણય

ગાંધીનગર : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના વિશ્વાસુ પ્રદીપસિંહ જાડેજા નબળા ગૃહ રાજ્ય મંત્રી પુરવાર થઈ રહ્યા છે, પ્રદીપસિંહ જાડેજા આઈપીએસ અધિકારીઓ જ નહીં પરંતુ પીઆઈ ટૂ ડીવાયએસપીની બઢતી કે
પછી છેલ્લા ૯ મહિનાથી એક જ જગ્યા પર ડીવાયએસપીમાંથી એડી.એસપી બનાવેલા ૨૧ અધિકારીઓને પણ પોસ્ટીંગ આપી શક્યા નથી. હવે, ૨૦૦૧ બેચના પીઆઈ ટૂ ડીવાયએસપીની બઢતીને પણ લટકાવી દીધી છે. પીઆઈ ટૂ ડીવાયએસપીના બઢતીના હુકમો ૨૧ એડીશનલ એસપીને જ્યારે પોસ્ટીંગ આપવામાં આવશે ત્યારે જ બઢતીનો નિર્ણય લેવાશે.
ગુજરાત સરકારે ડીસેમ્બર ૨૦૧૬માં ૨૦૦૧ બેચના ૨૫ પીઆઈને ડીવાયએસપીમાં બઢતી આપી હતી. ત્યાર બાદ આ બેચના ૧૦૦ જેટલા પીઆઈ હજુ પણ બઢતીથી વંચિત છે.
આ બેચના પીઆઈને ડીવાએસપીમાં બઢતી આપવા માટે ગત માર્ચ મહિનામાં
ડીપાર્ટમેન્ટ પ્રમોશન કમિટિ (ડીપીસી) ક્લિયર કરી દેવાઈ હતી. રાજ્ય સરકારે ગત મહિને ૧૯૯૩ અને ૨૦૦૦ બેચના અધિકારીઓને જ બઢતી આપી હતી પરંતુ ૨૦૦૪ બેચના એસપી ટૂ ડીઆઈજીની બઢતી તેમજ ૨૦૧૪ બેચના અધિકારીઓનો પ્રોબેશનર
પિરિયડ પુરો થવા છતાં હજુ સુધી બઢતી આપવામાં આવી નથી.
ગુજરાત સરકારે ગયા નવેમ્બર મહિનામાં ૨૧ ડીવાયએસપીને એડી.એસપી તરીકે બઢતી આપી હતી પરંતુ તેમને પોસ્ટીંગ આપ્યા ન હતા. હવે, આ ૨૧ અધિકારીઓમાંથી ૧૬ જગ્યાઓ એવી છે જ્યાં ડીવાયએસપીની નિમણૂંક કરવી જ પડે તેમ છે કારણ કે, સરકારે ૨૧ ડીવાયએસપીને એડી.એસપીમાં બઢતી આપી ડીવાયએસપીની પોસ્ટ પર જ ચાલુ રાખ્યા છે.હવે જો ૨૦૦૧ બેચને ડીવાયએસપીમાં બઢતી આપવી હોય તો સૌ પ્રથમ ૨૧ એડી. એસપીના પોસ્ટીંગ
આપવા પડે અને ત્યાર બાદ જ પીઆઈ ટૂ ડીવાયએસપીનો કોઈ નિવેડો નિકળી શકે તેમ છે.