૨૦૨૮માં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાઃ જાપાનને પછાડી દેશે

મુંબઈ : ૨૦૨૮ સુધીમાં ભારત ઝડપી વિકાસ દરના રથ પર સવાર થઈને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. અમેરિકન ફર્મના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ દરમિયાન ભારત પોતાની વિકાસ ગતિથી જાપાનને પાછળ છોડી દુનિયામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી લેશે. ભારત અત્યારે બ્રાઝિલ અને રશિયાને પાછળ છોડી બ્રિક દેશોમાં ચીન બાદ બીજી સૌથી મોટી ઇકોનોમી બની ગઈ છે. ૨૦૧૯ સુધી ભારત ફ્રાન્સ અને બ્રિટનને પછાડી જર્મની બાદ દુનિયાની પાંચમી સૌથી મોટી ઇકોનોમી બનવાની રાહ પર છે. અમેરિકાના એક બેંક મોરિલ લિન્ચે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ૨૦૨૮ સુધી ભારત જર્મની અને જાપાનને જીડીપી (ડોલરની ટર્મમાં) મામલે પાછળ છોડી દેશે. આ રિપોર્ટમાં આશા વ્યકત કરાઈ છે કે, આગામી દશકમાં ભારતની ઇકોનોમી ૧૦ ટકાની ઝડપથી વધશે અને જાપાનની ઇકોનોમી (૧.૬ ટકા)ને પાછળ છોડી દેશે. અમેરિકન બ્રોકરેજે સાત ટકાના દરથી ભારતના વાસ્તવિક જીડીપી ગ્રોથની ક્ષમતાનું અનુમાન વ્યકત કર્યું છે. ગયા વર્ષે ભારતની ઇકોનોમી ૨.૨૬ ખર્વ ડોલર હતી. જોકે ૨૦૨૮માં અમેરિકા અને ચીન બાદ દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમીનું કદ શું હશે, આ મામલે રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી નથી. રિપોર્ટનું શીર્ષક ‘ઇન્ડિયા ૨૦૧૮ ધ લાસ્ટ બ્રિક ઇન ધ વોલ’ છે.