૨૦૧૬માં ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલની હત્યા કેસમાં ૨૨ જુલાઇએ ચુકાદો આવશે

(જી.એન.એસ.)અમદાવાદ,૨૦ એપ્રિલ ૨૦૧૬ના રોજ ગાયકવાડ હવેલીમાં આવેલી જડબેસલાક સુરક્ષા વચ્ચે ૨૦ એપ્રિલ ૨૦૧૬ની મોડી રાત્રે હવેલીમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મનીષ બલાઈ નામના આરોપીએ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કરી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં આજે સિટી સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટમાં સાક્ષીઓ અને કેસને લગતાં દસ્તાવેજો રજુ કરવામાં આવ્યાં હતાં. કોર્ટમાં તમામ સુનાવણી પૂર્ણ થતાં ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.સુનાવણી બાદ આરોપીને જ્યારે પોલીસ કોર્ટમાંથી બહાર લઈ જઈ રહી હતી. આ દરમિયાન કોર્ટની બહાર લોકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. પોલીસની સુરક્ષા હોવા છતાં આરોપીને લોકોએ કોર્ટ પરિસરની બહાર જ માર માર્યો હતો. પરંતુ પોલીસે આરોપીને સુરક્ષિત કર્યો હતો. આરોપી મનીષ બલાઈને અગાઉ પણ કોર્ટમાં રિમાન્ડ દરમિયાન માર મરાયો હતો. કોર્ટ આ કેસનો ચુકાદો આગામી ૨૨ જુલાઈએ આપી શકે છે.
આ અંગે મૃતક કોન્સ્ટેબલના ભાઈ મનીષ મકવાણાએ કહ્યું હતું કે, આજે ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કેસની તમામ સુનાવણી સિટી સિવિલ કોર્ટમાં પૂર્ણ થઈ છે. અમે આ કેસમાં કોર્ટ પાસે આરોપીને સખતમાં સખત સજા થાય તેવી આશા રાખીએ છીએ.