૨૦૦૭ના હૈદરાબાદ ધમાકાના મામલે બે દોષીઓને આજે થઈ શકે છે સજાની સુનાવણી

હૈદરાબાદઃ અહીંયા ગોકુલ ચાટ અને લુંબિની પાર્કમાં ૧૧ વર્ષ પહેલા થયેલા બે બોમ્બ બ્લાસ્ટના મામલે સેશન કોર્ટ દોષીઓની સજાનું આજે એલાન કરી શકે છે. આ પહેલા ૪ સપ્ટેમ્બરે કોર્ટે પાંચ આરોપીઓમાંથી બેને દોષી ઠેરવ્યા હતા. બે ને છોડી મૂક્યા હતા. એક આરોપી પર ચુકાદો આવવાનો હજુ બાકી છે. આ તમામ પ્રતિબંધિત આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા.
કોર્ટે અનીક શફીક સૈયદ અને અકબર ઇસ્માઇલ ચૌધરીને દોષી ઠેરવ્યા. મોહમ્મદ સાદિક અને અન્સાર અહમદ શેખને પુરાના અભાવે છોડી દેવામાં આવ્યા.
પાંચમા આરોપી તારિક અંજુમ પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. તેના પર બોમ્બ બ્લાસ્ટ કરનારાઓને આશરો આપવાનો આરોપ છે. આ મામલે અન્ય બે આરોપી રિયાઝ ભટકલ અને ઇકબાલ ભટકલ ફરાર છે.આ કેસની સુનાવણી ૨૦૧૬માં શરૂ થઈ હતી. તેને આ જ વર્ષે જૂનમાં નામપલ્લીની કોર્ટથી ચેરલાપલ્લી સેન્ટ્રલ જેલ સ્થિત કોર્ટમાં સ્થળાંતર કરવામાં આવ્યો હતો. સેશન જજ શ્રીનિવાસ રાવે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી ૭ ઓગસ્ટના રોજ ફેંસલો સુરક્ષિત રાખી લીધો હતો. ૨૫ ઓગસ્ટ, ૨૦૦૭ના રોજ બ્લાસ્ટ્‌સ થયા હતા. પ્રોસિક્યુશનના જણાવ્યા પ્રમાણે, અનીકે લુંબિની પાર્કમાં જ્યારે રિયાઝે ગોકુલ ચાટ વિસ્તારમાં બોમ્બ મૂક્યો હતો. તેમાં ૪૪ લોકોનાં મોત થઈ ગયા હતા. ૬૮ ઘાયલ થયા હતા.પ્રોસિક્યુશને જણાવ્યું કે અનિકે લુંબિની પાર્કમાં બોમ્બ મૂક્યો હતો જ્યારે ગોકુલ ચાટ પર રિયાઝે. એક અન્ય બોમ્બ ઇસ્માઈલ ચૌધરીએ પણ રાખ્યો હતો, જેમાં વિસ્ફોટ નહોતો થયો અને તેન જપ્ત કરવામાં આવ્યો હતો. તારિક અંજુમ પર આરોપીઓને આશરો આપવાનો આરોપ હતો. ગોકુલ ચાટ પાસે થયેલા વિસ્ફોટમાં ૩૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૪૭ લોકો ઘાયલ થયા હતા. લુંબિની પાર્કના ઓપન એર થિયેટરમાં થયેલા વિસ્ફોટમાં ૧૨ લોકો માર્યા ગયા હતા અને ૨૧ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ મામલે પહેલી ધરપકડ જાન્યુઆરી ૨૦૦૯માં થઈ હતી.