૨૦મી જાન્યુઆરીથી મોંઘી થઇ જશે બેંક સેવાઓ!

તમામ સરકારી તેમજ પ્રાઇવેટ બેંક તે સર્વિસ માટે રૂપિયા વસૂલશે જે અત્યાર સુધી ફ્રી રહેતી હતી

મુંબઇ : એક તરફ સરકાર સામાન્ય લોકોને બેંક સાથે બને તેટલા વધુ જોડાય તેવા પ્રયત્ન કરી રહી છે તો બીજી બાજુ ૨૦ જાન્યુઆરીથી બેંક સામાન્યથી લઇ અમીર લોકોને પણ ઝટકો આપવાના મૂડમાં છે. તમામ સરકારી તેમજ પ્રાઇવેટ બેંક તે સર્વિસ માટે રૂપિયા વસૂલશે જે અત્યાર સુધી ફ્રી રહેતી હતી. જોકે, હજુ પણ બેંક કેટલીક સુવિધાઓ માટે ચાર્જ રાખવો કે નહીં તે નક્કી કરી રહી છે પરંતુ મોટાભાગની સેવાઓ ચાર્જ હેઠળ લાવવામાં આવી છે. આથી જો તમે ધ્યાન નહીં રાખો તો ખાતામાંથી રૂપિયા કપાઇ શકે છે. રૂપિયા કાઢવા, પૈસા જમા કરાવવા, મોબાઇલ નંબર બદલાવવો, કેવાયસી સરનામું બદલવું, નેટ બેન્કિંગ અને ચેકબુક માટે અરજી કરવી વગેરે જેવી સેવાઓ માટે ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત પોતાની બેંક સિવાય અન્ય બ્રાન્ચની સર્વિસનો ઉપયોગ કરવા પર પણ તમારે રૂપિયા ચૂકવવા પડશે. આ સુવિધા માટે તમારે અલગથી જીએસટી પણ આપવો પડશે. ખાસ વાત તો એ છે કે બેન્કિંગ સર્વિસ યુઝ કરવા પર તમારા ખાતામાંથી રૂપિયા કપાઇ જશે. જોકે, અનેક બેંક મેનેજર્સનું એવું કહેવું છે કે તેમને આ બાબતની આરબીઆઇ તરફથી લેખિતમાં કોઇ જ આદેશ મળ્યા નથી. આમ તો બેંકમાં થઇ રહેલા આ બદલાવને લીધે દરેકને અસર પહોંચશે પરંતુ સૌથી વધારે અસર બિઝનેસ કોમ્યુનિટીને થશે. બિઝનેસને લીધે દરેક ટ્રાન્ઝેકશન તેમજ અન્ય સર્વિસનો ઉપયોગ કરનારનું ખિસ્સું વધારે હળવું થશે.