૧.રપ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ એક વર્ષથી ઉદ્દઘાટનની રાહમાં

એ ડિવિઝન પોલીસ મથક સ્થળાંતરીત થાય તો ટ્રાફીક સમસ્યા પણ બને હળવી

૧૫મી ઓકટો.ચૂંટણી આંચારસંહિતા લાગુ પડે તે પહેલા લોકાર્પણ કરવાની તક ધારાસભ્ય  રમેશભાઈ ઝડપે

નવા બનેલા બિલ્ડિંગમાં પીઆઈ ચેમ્બર્સ, કોન્ફરન્સ હોલ, રાઈટર રૂમ સહિત ઉપર-નીચે દસ ઓફિસો તૈયાર : પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા તૈયાર થયેલા બિલ્ડિંગનો પોલીસ વડા કબજા નહીં સાંભળવા પાછળ કયા પરિબળો કારણભૂત : જર્જરીત જૂના પોલીસ મથકે કોઈ કર્મચારીનો ભોગ લેવાયા બાદ નવા બિલ્ડિંગનું કરાશે ઉદ્દઘાટન…?

ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથક જે મકાનમાં કાર્યરત છે તે જર્જરીત અને વર્ષો જૂનું હોવાથી ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ગુરૂકુળ વિસ્તારમાં ૧.રપ કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવેલ છે. પોલીસ સ્ટેશનનું કામ પૂર્ણ થવાને એક વર્ષ વીતી ગયેલ હોવા છતાં પણ તેનું ઉદ્દઘાટન ન થતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જૂના પોલીસ મથકે અનેક સમસ્યાનો સામનો કરીને ફરજ અદા કરી રહ્યા છે ત્યારે નવા પોલીસ મથકનું ઉદ્દઘાટન ક્યારે થશે તેના પર અધિકારી – કર્મચારીઓની મીટ મંડાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકનું જૂનું મકાન જર્જરીત અને રહેવાલાયક નહીં રહેતા તેને કંડમ કરી દેવામાં આવેલ છે. જ્યાં તેના સ્થાને ગુરૂકુળ વિસ્તારમાં ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ૧.રપ કરોડના ખર્ચે આદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવી છે. ઉપર-નીચે પીઆઈની ચેમ્બર્સ, મિટિંગ હોલ, રાઈટર – સ્ટાફ રૂમ સહિત વિવિધ દસ કચેરીઓ બનાવવામાં આવી છે અને તમામ સુવિધાઓથી સજ્જ કરી દેવામાં આવેલ છે.
આ બાબતે ગુજરાત પોલીસ હાઉસિંગના અધિક ઈજનેર એ.એમ. ત્રિવેદીનો સંપર્ક સાધતા ૧.રપ કરોડના ખર્ચે ગુરૂકુળ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી એ ડિવિઝન પોલીસ મથકના નવા બિલ્ડિંગનું કામ પૂર્ણ કરી દેવામાં આવેલ છે. પશ્ચિમ કચ્છ એસપીને બિલ્ડિંગનો કબજા સંભાળવા જણાવતા ઉદ્દઘાટન થયેથી કબજા સંભાળી લેવા જણાવ્યું હતું. બીજી તરફ હાલમાં જે જૂના મકાનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન કાર્યરત છે તે બિલ્ડિંગની વાયરીંગમાં અવાર નવાર શોર્ટસર્કિટ થાય છે તો વર્ષો જૂનું મકાન હોઈ ક્યારે છતના પોપડા ખરી પડે તે નક્કી ન કહેવાય. લાઈટ – પાણીની પૂરતી સુવિધા ન હોઈ છેલ્લા એક વર્ષથી તૈયાર થયેલ નવા મકાનનું ઉદ્દઘાટન ન થતાં પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ અનેક મુશ્કેલીઓનોસામનો કરીને જીવના જાખમે પોતાની ફરજ અદા કરી રહ્યા છે. સપ્ટેમ્બર માસના એન્ડમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થાય અને આચારસંહિતા લાગુ પડે તે પહેલાં નવા પોલીસ મથકનું ઉદ્દઘાટન થઈ જાય તેવું કર્મચારી – અધિકારીઓ ઈચ્છી રહ્યા છે.