૧ એપ્રિલથી ૪૫થી વધુ ઉંમરના તમામને કોરોનાની રસી અપાશે

કોઇ બીમારી નહીં હોય તેવા સામાન્ય લોકોને પણ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાશે, અત્યાર સુધી ૪.૮૫ કરોડ લોકોને વેક્સિન અપાઇઃ જાવડેકર
મોદી સરકારના મંત્રીએ લૉકડાઉન મુદ્દે કહ્યું, જે રાજ્યોમાં કોરોના કેસો વધુ નોંધાયા છે કેન્દ્ર તે સરકારના સતત સંપર્કમાં છે

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,કેન્દ્ર સરકારે કોરોના વિરુદ્ધના જંગમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ૧લી એપ્રિલથી દેશમાં ૪૫થી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં ૬૦થી વધુ ઉંમરના લોકોને જ કોરોનાની રસી આપવામાં આવે છે. જો કે હવે ૧લી એપ્રિલથી ૪૫થી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. તાજેતરમાં ૪૫થી વધુ ઉંમતના કો-મોર્બિડ લોકોને જ રસી આપવામાં આવતી હતી પરંતુ હવે કોઈ બીમારી નહીં હોય તેવા સામાન્ય લોકોને પણ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.જાવડેકરે જણાવ્યું કે કોરોના સામેની લડાઈમાં રસી સૌથી અસરકારક કવચ છે. કેન્દ્રીય મંત્રીના મતે હજુ પણ આપણે એકથી દોઢ વર્ષ સુધી માસ્ક પહેરી રાખવું પડશે. કોરોના જરા પણ હળવાશમાં લઈ શકાય નહીં. ફરીથી લોકડાઉન અંગે તેમને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, જે રાજ્યોમાં કોરોનાના વધુ કેસો નોંધાયા છે તે રાજ્ય સરકારો સાથે કેન્દ્ર સંપર્કમાં છે અને અસરકારક મેનેજમેન્ટ દ્વારા સ્થિતિ ઝડપથી સુધરશે.
હોળીના તહેવાર બાદ દેશમાં કોરોના વેક્સિનેશનનું અભિયાન તેજ બની શકે છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારના પ્રેસ કૉન્ફરન્સમાં આની જાહેરાત કરી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, લોકોએ ફક્ત પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને સરળતાથી સરકારી-પ્રાઇવેટ સેન્ટર્સ પર વેક્સિન મળી શકશે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી ૪.૮૫ કરોડ લોકોને વેક્સિન લગાવવામાં આવી ચુકી છે.લગભગ ૮૦ લાખ લોકોને કોરોનાનો બીજો ડોઝ પણ લગાવવામાં આવી ચુક્યો છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ગઇકાલે જ દેશમાં કુલ ૩૨ લાખ કોરોના વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વેક્સિનેશનનું પ્રમાણ વધારવાનો આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે, જ્યારે દરરોજ ૪૦ હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે.હાલ દેશમાં ૧૦,૦૦૦ સરકારી સેન્ટર્સ અને હજારો પ્રાઈવેટ સેન્ટર્સ પર કોરોના વેક્સિન અપાઈ રહી છે. સરકારી સેન્ટર્સ પર ફ્રીમાં વેક્સિન ડોઝ અપાઈ રહ્યો છે જ્યારે પ્રાઈવેટ સેન્ટર પર પ્રતિ ડોઝના ૨૫૦ રૂપિયા ચાર્જ લેવામાં આવી રહ્યો છે.