૧૭૬ ડિફોલ્ટરોની ૩૭૭૦ કરોડની મિલકત ટાંચમાં લેવાનો નિર્ણય

૪૦૦ પૈકી ૧૭૬ કેસમાં નિર્ણય લેવાયો, અન્ય કેસમાં મુદ્દત પછી સુનાવણી કરી નિર્ણય

અમદાવાદ : બેંકો પાસેથી લોન લીધા બાદ ભરપાઈ ન કરનારા અમદાવાદના ૪૦૦ જેટલા ડિફોલ્ટરોની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી માટે મંગળવારે જિલ્લા કલેક્ટર ખાતે હાથ ધરવામાં આવી હતી. કુલ ૪૦૦ જેટલા ડિફોલ્ટરોની રૂ. ૬૭૦૦ કરોડની મિલકત ટાંચમાં લેવા માટેની સુનાવણી દરમિયાન ૧૭૬ કેસોમાં રૂ. ૩૭૭૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે બાકીના કેસોમાં મુદ્દત માંગવામાં આવી હોઈ તેમજ બેંક તરફથી પણ કાર્યવાહી થઈ રહી હોવાથી પંદર દિવસ પછી ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે અને ત્યાર બાદ અંતિમ નિર્ણય કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર બેંકોમાંથી કરોડોની લોન લીધા બાદ ચુકવણી કરવામાં આવી ન હોઈ આવા વર્ષ ૨૦૧૫થી ૨૦૧૮ સુધીના ૪૦૦ ડિફોલ્ટરો પાસેથી વસુલાત માટે સરફેસી એક્ટ-૨૦૦૨ની કલમ-૧૪ હેઠળના કુલ ૪૦૦ જેટલા કેસોની સુનાવણી જિલ્લા કલેક્ટર દ્વારા મંગળવારે રાખવામાં આવી હતી. આ ૪૦૦ કેસોમાં રૂ. ૬૭૦૦ કરોડની મિલકતોની સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી. જેમાં સવારથી શરૂ થયેલી સુનાવણીની કાર્યવાહી છેક સાંજે પુર્ણ થઈ હતી.સુનાવણી દરમિયાન ૪૦૦ કેસમાંથી ૧૭૬ કેસમાં રૂ. ૩૭૭૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરમાં પહેલીવાર આટલી મોટી રકમની મિલકતો ટાંચમાં લેવા માટે નિર્ણય લેવાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જોકે, બાકીના ૨૨૪ કેસોમાં મુદ્દત માંગવામાં આવી હોઈ તેમજ બેંક તરફથી પણ કાર્યવાહી થઈ રહી હોવાથી હવે પંદર દિવસ પછી આ તમામ કેસનોનું હિયરીંગ કરવામાં આવશે અને નિર્ણય લેવાશે.
જોકે, આગામી દિવસોમાં અન્ય કેસોની સુનાવણી પૂર્ણ થયા બાદ ટાંચમાં લેવાનારી મિલકતોનો આંકડો પણ મોટો થશે તેમ જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જે મિલકતો ટાંચમાં લેવામાં આવી છે તે પૈકી અમુક કેસોમાં તો રૂ. ૫૦૦ કરોડથી પણ વધુના બાકી લેણા હોવાનું બહાર આવ્યું છે.