૧૬.ર૩ કરોડના ખર્ચે બનતા સત્તાપર – લાખાપર-ચાંદ્રાણી રોડના કામમાં લોલમલોલ

ટેન્ડરની જોગવાઈ પ્રમાણે માલ મટીરીયલનો વપરાશ ન થતો હોવાનો આક્ષેપ

અંજાર : તાલુકાનાં સત્તાપર, લાખાપર, ચાંદ્રાણી રોડનું કામ હાલમાં ચાલી રહ્યું છે. જમાં હયાત રોડ ઉપરાંત બંને સાઈડ ૧.પ૦ મીટર રોડને પહોળાઈ કરી પ.૦૦ મીટર માંથી ૮.૦૦ મીટર પહોળા ડામર રોડનું કામ ચાલી રહ્યું છે. જો કે આ કામમાં લોલમલોલ થતી હોવાના આક્ષેપ કરાયા છે. જેમાં ટેન્ડરમાં જાહેર થયેલ માલ મટીરીયલનો વપરાશ થતો નથી તેમજ આ રોડની તમામ કામગીરી બિન ગુણવતાયુક્ત થઈ રહી હોવાના આક્ષેપ કરાયા છે. આ કામ ગુણવતાયુક્ત ટેન્ડરની શરતો મુજબ થાય તે બાબતે રજૂઆત કરાઈ છે.કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી અને એડવોકેટ દિનેશભાઈ માતા, દિલીપસિંહ ઝાલા દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આ કામ અંદાજે રૂા. ૧૬.ર૩ કરોડનાં ખર્ચે થનાર છે. આ કામમાં ૩પ થી ૪૦ નાના તેમજ મોટા પુલીયાનાં કામ પણ કરવાનાં છે. જે પુલીયાનાં કામમાં પણ ઘણી નબળાઈ છે. પાણીનું ક્યુરીંગ યોગ્ય નથી. કામમાં લોખંડ તથા સિમેન્ટની ગુણવતા નબળી છે તેમજ ટેન્ડરનાં જણાવ્યા મુજબ માલ વપરાશ કરવામાં આવતો નથી. આ કામમાં રોડની બંને બાજુ ૬.૦૦ ઈંચ ૧પ૦ એમ.એમ. તથા ૪.૦૦ ઈંચ ૧૦૦ એમ.એમ. તેમજ ૬.૦૦ ઈંચ ૧પ૦ એમ.એમ. એમ કુલ મળીને ૧૬ ઈંચની ઉંડાઈ હોવી જોઈએ, પરંતુ સ્થાનિકે તપાસતાં તેની ઉંડાઈ ૧૬ ઈંચની નથી તેમજ તેનાં પર બંને સાઈડ નવા બનેલા રોડ પર ૭પ એમ.એમ., પ૦ એમ.એમ. તેમજ ૩૦ એમ.એમ. ની જે લેયર આવી જોઈએ તે મુજબ રોલીંગ પ્રેસનું કામ થયેલું નથી. જેથી રોડનું હાલમાં જે કામ થઈ રહ્યું છે તે મુજબ આ કામમાં કોન્ટ્રાકટર દ્વારા લોટ, પાણી અને લાકડા જેવો તાલ છે. આ રોડની કામગીરી નબળી હોવાનાં કારણે આગામી વરસાદની સિઝનમાં જો સારો વરસાદ થશે તો અનેક જગ્યાએથી તુટવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. આ રોડનાં કામની અંદર મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ હોવાની શક્યતાઓ રહેલી છે. આમ આ રોડની બહુ જ નબળી કામગીરી થઈ રહેલ છે. જેથી આ કામની સત્વરે તપાસ કરવામાં આવે એવી માંગણી કરાઈ છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ આ રોડની કામગીરીમાં નાયબ કાર્યપાલક ઈજનેર, અંજાર તથા કોન્ટ્રાકટર સાથે મિલીભગત કરીને ભ્રષ્ટાચાર થતો હોવાથી કામની ગુણવતા જળવાતી નથી તેવો સીધો આક્ષેપ કરાયો છે. આ રોડ મુદ્દે તાકીદે યોગ્ય સુપરવિઝન તળે ટેન્ડરમાં જણાવેલ વિગતો અને શરતો મુજબનું કામ કોન્ટ્રાકટર પાસેથી લેવામાં આવે તેવી લોકહિતમાં તંત્રને રજૂઆત કરાઈ છે.કોંગ્રેસ અગ્રણીએ વધુમાં જણાવ્યું હતું કે, ટેન્ડરમાં જાહેર થયેલ માલ મટીરીયલનો વપરાશ થતો નથી તેમજ આ રોડની તમામ કામગીરી બિન ગુણવતાયુક્ત થઈ રહી છે. જેથી કવોલીટી કન્ટ્રોલ વિભાગ મારફત સ્થાનિકે માલ સામાનની ચકાસણી થવા અને તેમનાં રીપોર્ટ મુજબ કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટમાં મુકવા અને કોન્ટ્રાકટરનું પેમેન્ટ સ્ટોપ કરવા રજૂઆત કરાઈ છે.